ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટિલની વરણી
અમદાવાદ, રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુથ તરીકે સી.આર.પાટીલની ભાજપા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સી.આર.પાટીલ નવસારીના સાસંદ છે. જીતુ વાઘાણીને બદલે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દિલ્હી, છત્તીસગઢ અને મણિપુરના ભાજપના પ્રમુખની ટર્મ પૂરી થતાં તેમને પદ પરથી દૂર કરાયા છે, ત્યાર બાદથી ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના ભાવિ પર પણ અટકળો શરૂ થઈ ગઈ હતી.
મુખ્યમંત્રીનું પદ સંભાળનારા વિજય રૂપાણીની જગ્યાએ ઓગસ્ટ, 2016માં જ્યારે વાઘાણીની નિમણૂક કરવામાં આવી ત્યારે તેઓ સૌથી યુવા પ્રદેશ પ્રમુખ બન્યા. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વાઘાણી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2017માં ફરીથી ભાવનગરની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પ્રદેશ પ્રમુખ પદે તેમની નિયુક્તિ કરાઈ તે પહેલા તેઓ પક્ષની યુવા વિંગ સાથે કામ કરતાં હતા. જીતુ વાઘાણીની આ પદે ત્યારે નિમણૂક કરાઈ હતી જ્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન અને અન્ય આંદોલનની શરૂઆત થઈ રહી હતી. રાજ્યમાં ઘણા પડકારો હોવા છતાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અને 2019ની લોકસભાની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કર્યું હતું.