ગુજરાત ભાજપ પ્રદેશ કોર ગ્રુપના સભ્યોની જાહેરાત

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધ્વારા પ્રદેશ કોર ગ્રુપના સભ્યોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈ, ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ
મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજય સરકારના પૂર્વમંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા, રાજય સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીલક્ષી કવાયત શરૂ કરાઈ છે ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ જેવા મોટા રાષ્ટ્રીય પક્ષોની સાથે અન્ય પક્ષો પણ મેદાનમાં આવી ગયા છે.
ગુજરાતમાં ર૦રરમાં ડીસેમ્બર મહિનામાં હાલની સરકારની મુદ્દત પુરી થતી હોવાથી કદાચ ચૂંટણી વહેલા યોજાય તેવી અટકળો રાજકીય ગલિયારીઓમાં શરૂ થઈ ગઈ છે દેશમાં ઉત્તરપ્રદેશ, મણીપુર, પંજાબ, ઉત્તરાખંડ, ગોવાની ચૂંટણીના પરિણામો કેવા આવે છે
તેના પર ગુજરાતમાં ચૂંટણી વહેલા યોજવી કે નહી ?? તેના પર નિર્ણય લેવાઈ શકે છે. જાેકે રાજકીય વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવો તખ્તો ઘડાઈ રહયો છે.