Western Times News

Gujarati News

ગુજરાત ‘મહા’વાવાઝોડાની મહાઅસર શરૂ

તા.૭મી સુધીમાં વાવાઝોડું ત્રાટકવાની આગાહીથી એનડીઆરએફની ટીમો એલર્ટ

(પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત ઉપરથી કયાર વાવાઝોડાની ઘાત ટળી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મહાવાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હવે તેની અસર ગુજરાત પર પડવાની શરૂ થઈ છે. રાજયના દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ તોફાની પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાયુ છે.

તા.૭મી સુધીમાં મહાવાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે સાથે ગાંધીનગર સ્થિતિ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ  પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે. એનડીઆરએફની ટીમોને પણ એલર્ટ કરી દેવાઈ છે અને જરૂર પડે લશ્કરની મદદ લેવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે આપત્તિના આ સમયમાં જરૂરી તમામ સહાયની ખાતરી આપી છે તથા કેન્દ્રીય હવામાન ખાતુ સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે.

ગુજરાતમાં હજુ પડતો હોવાના કારણે લીલો દુષ્કાળ પડયો છે અને કૃષિને વ્યાપક નુકસાન થયું છે હજુ પણ રાજયના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જાવા મળી રહયું છે જેના પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે બીજીબાજુ ક્યાર વાવાઝોડાની ઘાત ટળી જતા સરકારી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ સમુદ્રમાં બીજી એક સીસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી હતી

છેલ્લા ત્રણ દિવસમાં આ સિસ્ટમે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. મહા નામનું આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહયુ છે અને તેનો વ્યાપ પણ વધી રહયો છે જેના પરિણામે હવામાન વિભાગે ગુજરાત સરકારને એલર્ટ કરી દીધું છે. તા.૭મી સુધીમાં આ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. જેના પગલે દ.ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહયા છે.

મહા નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધતા હવે તેની અસર પણ દેખાવા લાગી છે. દ.ગુજરાત ના વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે અને વરસાદ પણ પડવાનો શરૂ થઈ ગયો છે. જેના પરિણામે પાક ને વ્યાપક નુકશાન થઈ રહયું છે. ડાંગમાં ગઈકાલ સાંજથી જ તોફાની પવનની સાથે વરસાદ પડતાં જનજીવન ઠપ થઈ ગયું છે અને શીરડી જતા પ્રવાસીઓ અટવાઈ ગયા છે.

મહા નામના વાવાઝોડાની અસર શરૂ થવા લાગતા જ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં ગઈકાલ સાંજથી જ તોફાની પવન ફુંકાવાનો શરૂ થઈ ગયો છે અને મોટાભાગના વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ પડવાનો શરૂ થયો છે.

આજે સવારથી જ આ તમામ વિસ્તારોમાં તોફાની પવન ફુંકાતા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. બીજીબાજુ એલર્ટ બનેલી રાજય સરકારે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અગમચેતીના તમામ પગલા ભરવા સ્થાનિક જિલ્લા તંત્રોને આદેશ આપ્યો છે અને તમામ અધિકારીઓને સ્થળ પર હાજર થવા સુચના આપી દેવામાં આવી છે. મહા વાવાઝોડાની અસરથી જ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થતા જ તા.૭મી સુધીમાં પરિસ્પથિતિ  વધુ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે.

ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ૭૦ કિ.મી.થી વધુ ઝડપે પવન ફુંકાવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે. બીજીબાજુ રાજયના તમામ બંદરો પર ર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. મહા વાવાઝોડાના કારણે હાલમાં દરિયાની અંદર કરંટ જાવા મળી રહયો છે અને ઉંચા મોજા ઉછળી રહયા છે.

હાલમાં કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે અને દરિયામાંથી માછીમારોની બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. મહા વાવાઝોડા ત્રાટકવાની આગાહીના પગલે ગુજરાત સરકાર દ્વારા એનડીઆરએફની ટીમોને એલર્ટ કરી દેવાઈ છે અને જરૂરી સાધન સામગ્રી પણ તૈયાર કરી દેવાઈ છે. બીજીબાજુ કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ સતત નજર રાખી રહયા છે.

દરિયા  કિનારાના વિસ્તારોમાં હાલ સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે અને ખાસ કરીને કિનારાના વિસ્તારોને અને કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સુચના આપવામાં આવી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે મહા નામના વાવાઝોડાનો વ્યાપ વધવાની સાથે સાથે તેની તીવ્રતામાં પણ સતત વધારો થઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.