ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી વાર્ષિક બજેટની વિગતો છૂપાવાતાં વિવાદ

યુનિવર્સિટીમાં દરવર્ષે માર્ચ મહિના સુધીમાં વાર્ષિક બજેટ જાહેર કરાય છે
અત્યાર સુધી સેનેટની બેઠકમાં બજેટ પસાર કરીને સાર્વત્રિક કરાતું પણ કોમન એક્ટ પછી બજેટની એકપણ વિગતો જાહેર કરવામાં આવી નથી
અમદાવાદ,
ગુજરાત યુનિવર્સિટીમાં સળંગ બીજા વર્ષે સત્તાવાર બજેટની કોઇ આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી નથી. સરકાર દ્વારા વિધાનસભામાં સત્તાવાર બજેટ જાહેર કરવામાં આવતું હોય ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો સળંગ બે વર્ષથી કયા કારણોસર બજેટની વિગતો છુપાવી રહ્યા છે તેની ચર્ચા શરૂ થઇ છે. આશ્ચર્યની વાત એ કે, પૂર્વ અને વર્તમાન રજિસ્ટ્રાર પણ બજેટની વિગતો અંગે અજાણ હોવાનું બહાર આવી રહ્યું છે.યુનિવર્સિટીમાં દરવર્ષે માર્ચ મહિના સુધીમાં વાર્ષિક બજેટ જાહેર કરવામાં આવતું હોય છે.
આ બજેટમાં યુનિવર્સિટીને કેટલી આવક થશે, કયાંથી આવક થશે તેની સામે કેટલો ખર્ચ થશે, વિદ્યાર્થીઓની ફીમાંથી કેટલી રકમ આવશે, ભાડાની કેટલી આવક થઇ, અધ્યાપકો પાછળ કેટલો ખર્ચ થયો, યુનિવર્સિટી કાર્યાલય પાછળ કેટલો ખર્ચ થયો તે સહિતની નાનામાં નાની વિગતો વાર્ષિક બજેટમા જાહેર કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં દરવર્ષે ૨૯-૩૦ માર્ચના રોજ સેનેટની બેઠક બોલાવીને તેમાં સત્તાવાર રીતે બજેટને મંજુરી આપવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. જોકે, કોમન એક્ટ અને નવી એજ્યુકેશન પોલીસી આવ્યા બાદ સત્તામંડળોમાં ફેરફાર કરવા ઉપરાંત સેનેટની વ્યવસ્થા જ કાઢી નાંખવામાં આવી છે. આ સ્થિતિમાં સિન્ડીકેટની બેઠકમાં વાર્ષિક બજેટ રજૂ કરવાનું હોય છે.
આ મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે અગાઉ મળેલી સિન્ડીકેટની બેઠકમાં બજેટને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી પરંતુ કેટલા કરોડનું બજેટ હતુ તેની કોઇ વિગતો નથી. વર્તમાન રજિસ્ટ્રાર પાસે પણ બજેટની લગતી કોઇ જાણકારી કે બજેટની કોપી પણ ઉપલબ્ધ નથી. મહત્વની વાત એ કે, રાજય સરકાર દ્વારા વિધાનસભામાં બજેટ જાહેર કરવામાં આવે છે અને આ બજેટ સામાન્ય વ્યક્તિની સમજણમાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. એટલું જ નહી સરકાર દ્વારા કેટલા કરોડનું બજેટ છે તેની સત્તાવાર જાહેરાત પણ કરાતી હોય છે. આમ, હાલની સ્થિતિમાં સરકાર કરતાં પણ ગુજરાત યુનિવર્સિટી મોટી હોય અને મહત્વની હોય તેવી રીતે છેલ્લા બે વર્ષથી બજેટનો આંકડો જ જાહેર કરવામાં આવતો નથી.
ગૂજરાત વિદ્યાપીઠ અને જીટીયુ દ્વારા પણ તાજેતરમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો બજેટના મુદ્દે કુલડીમાં ગોળ ભાંગતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી બજેટની કોઇ વિગતો જાહેર કરાતી નથી. આ મુદ્દે યુનિવર્સિટી સાથે જોડાયેલા તજજ્ઞો કહે છે કે, વર્તમાન કુલપતિ આવ્યા બાદ એસ્ટેટ ડીપાર્ટમેન્ટ, એકાઉન્ટન્ટ અને જીયુસેક સહિતના અનેક મહત્વના વિભાગોમાં ઓએનજીસીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને દોઢ લાખ રૂપિયાથી લઇને ૫ લાખ રૂપિયા સુધીના તોતિંગ પગારથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાલી પડનારી જગ્યા પર હવે ઓએનજીસીમાંથી જ અધિકારીઓ આવી રહ્યા છે ત્યારે તેમને ચુકવવામાં આવતાં પગારને લઇને વિવાદ થઇ ચુક્યો છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ સહિતના અનેક ખર્ચા બજેટમાં દર્શાવવા પડે તેમ હોવાથી બજેટની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવતી નહોવાની ચર્ચા યુનિવર્સિટીમાં શરૂ થઇ છે.