ગુજરાત યુનિવર્સિટી પાસેથી હોલના બાકી મિલ્કતવેરા પેટે રૂા.૯.૩પ કરોડની વસુલાત બાકી
સોલા સીવીલ, ગુજરાત ક્રિકેટ એશોસીએશન, બ્લયુ લગુન પાર્ટી પ્લોટ જેવી મિલ્કતોના ટેક્ષ પેટે લાખો રૂપિયાની વસુલાત બાકી
“ગાંધી કોર્પોરેશન”ના નામે રૂા.૯ કરોડ ૩ર લાખનો મિલ્કતવેરો બાકી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા જુના લેણાની વસુલાત માટે સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા રૂા.દસ હજારની વસુલાત માટે પણ નાના વેપારીઓની મિલ્કતો સીલ કરવામાં આવી રહી છે. કોરોના અને લોકડાઉનમાં આર્થિક રીતે તબાહ થયેલા વેપારીઓ પર તંત્ર લેશમાત્ર રહેમ રાખી રહયુ નથી.
મ્યુનિ. ટેક્ષ વિભાગ આ દાદાગીરી માત્ર નાના વેપારીઓ અને દેવાદારો સામે કરે છે. જયારે મોટા માથા સામે તંત્ર લાચારી અનુભવી રહયુ છે અથવા તો શરણાગતિ સ્વીકારે છે.
મ્યુનિ. કોર્પોરેશનના નવા ઝોનના વિસ્તારોમાં સોલા સીવીલ, ગુજરાત ક્રિકેટ એશોસીએશન, ગુજરાત યુનીવસીર્ટી, બ્લયુ લગુન પાર્ટી પ્લોટ જેવી મિલ્કતોના ટેક્ષ પેટે લાખો રૂપિયાની વસુલાત બાકી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મ્યુનિ. કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્ર બેવડી નીતિ અપનાવતા હોવાના વારંવાર આક્ષેપ થાય છે. જે હાલ સાચા સાબિત થઈ રહયા હોય તેમ લાગી રહયુ છે. મિલ્કતવેરાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ ખાલી તિજાેરી ભરવા માટે નાના વેપારીઓની પીઠ પર “સીલીંગ”ના કોરડા વીઝવામાં આવી રહયા છે જયારે મોટા માથાઓની પીઠ થાબડવામાં આવી રહી છે.
મ્યુનિ. ટેક્ષખાતા દ્વારા જે મોટા દેવાદારો સામે શરણાગતિ સ્વીકારવામાં આવી રહી છે તેમાં ગાંધી ડેકોરેટર્સ, ગુજ.યુનિ. એકઝીબીશન હોલ મુખ્ય છે. મ્યુનિ. ટેક્ષ વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ “ગાંધી કોર્પોરેશન”ના નામે રૂા.૯ કરોડ ૩ર લાખનો મિલ્કતવેરો બાકી નીકળે છે તેવી જ રીતે સોલા સીવીલ હોસ્પિટલનો બાકી ટેક્ષ રૂા.૬ર.૮ર લાખ છે. મકરબા વિસ્તારમાં આવેલા “બ્લયુ લગુન” પાર્ટી પ્લોટના નામે રૂા.ચાર કરોડનો મિલ્કતવેરો બાકી છે.
જયારે એકલવ્ય સ્પોર્ટસ એકેડેમી પાસેથી મિલ્કતવેરાના રૂા.૯૧ લાખ બાકી છે જેની વસુલાત કોણ કરશે? અને ક્યારે કરશે? તે અધ્યાહાર છે નવા પશ્ચિમ ઝોનના થલતેજ વિસ્તારમાં પેન્ટાલૂન રીટેલ લીમીટેડના બાકી ટેક્ષની રકમ રૂા.૮૬ લાખ છે.
મ્યુનિ. ટેક્ષ ખાતા દ્વારા તિજાેરી ભરવા માટે માત્ર માર્ચ મહીનામાં જ નવ હજાર મિલ્કતોને સીલ કરવામાં આવી છે.
જેમાં રૂા.પાંચ-દસ હજારના દેવાદારોનો પણ સમાવેશ થાય છે. કોરોના અને લોકડાઉનના સમયમાં માંડ-માંડ ધંધો કરતા વેપારીઓને “પડતા પર પાટુ” મારવામાં આવી રહયુ છે. જયારે મોટા માથાઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરવા માટે કોઈ જ કાર્યવાહી થતી નથી. તંત્ર દ્વારા ર૦૧૯-ર૦માં હોટેલ કેમ્બેને સીલ કરવામાં આવી હતી
મ્યુનિ. ટેક્ષ વિભાગના ચોપડે હોટેલ કેમ્બેના નામે રૂા.૩૬ લાખની વસુલાત બાકી છે. નાના વેપારીઓ સીલ તોડે તો પોલીસ ફરિયાદ કરતા અધિકારીઓ “કેમ્બે હોટલ” સામે કાયદેસર કાર્યવાહી કેમ નથી કરતા તેવી ચર્ચા થઈ રહી છે?
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીએ આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે ર૦૧૮-૧૯ અને ર૦૧૯-ર૦માં “ખાલી બંધ” યોજના બંધ કરતા નાના વેપારીઓને આર્થિક નુકશાન થયુ હતુ તેવી જ રીતે કોરોના સમયે પણ નાના વેપારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે. જયારે ટેક્ષના મોટા દેવાદારો સામે કોઈ જ પગલા લેવામાં આવતા નથી ખાસ કરીને રાજય અને કેન્દ્ર સરકારની મિલ્કતોના બાકી ટેક્ષની વસુલાતમાં તંત્ર બેદરકાર સાબિત થયુ છે.
સોલા સીવીલ હોસ્પિટલના રૂા.૬ર લાખ બાકી છે તેવી જ રીતે ડ્રાઈવ ઈન રોડ પર આવેલ બહુમાળી ભવનના પણ રૂા.૩૬ લાખ બાકી છે. મ્યુનિ. અધિકારીઓએ નાના વેપારીઓને હેરાન કરવાના બદલે સરકારના બાકી ટેક્ષની વસુલાત તરફ ધ્યાન આપવુ જાેઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.