ગુજરાત યુનિ.ની યુજી સેમ-૧ની પરીક્ષા ૧૨મી એપ્રિલથી
અમદાવાદ: કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ કરવાનો આદેશ કર્યા બાદ ગુજરાત યુનિ.એ મોકુફ કરેલી યુજી સેમેસ્ટર-૧ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે.જે મુજબ ૧૨મી એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થશે.
ગુજરાત યુનિ.દ્વારા બીએ, બી.કોમ, બી.એસસી, બીબી-બીસીએ, અને બી.એડ સેમેસ્ટર-૧ તથા ઈનટિગ્રેટેડ લૉ સેમેસ્ટર ૪,૬ અને ૮ની તથા બીએસસી એફએડી તથા ફાયર સેમેસ્ટર-૧ની પરીક્ષા ૧૮મી એપ્રિલથી શરૂ કરવામા આવી હતી.
દરેક કોર્સમાં પ્રથમ પેપરની પરીક્ષા પૂર્ણ થયા બાદ કોરોનાના સંક્રમણ વધવાના કારણોસર બીજા જ દિવસથી સરકારના આદેશને પગલે પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ હતી.સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવા અને તમામ યુનિ.ઓની યુજીની પરીક્ષાઓ મોકુફ કરવા આદેશ કર્યો હતો.
આમ ૧૦ એપ્રિલ સુધી યુનિ.ઓ પરીક્ષા લઈ શકે તેમ નથી પરંતુ બીજી બાજુ યુજીના વિવિધ કોર્સની સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ એપ્રિલ અંત સુધીમા પુરી પણ કરી દેવી પડે તેમ છે જેથી ગુજરાત યુનિ.દ્વારા ૧૨મી એપ્રિલથી પરીક્ષાઓ શરૂ કરવાનો પરિપત્ર કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયુ છે અને આ પરીક્ષાઓ ઓફલાઈન રીતે જ લેવાશે. અગાઉ જાહેર કરાયેલી બેઠક વ્યવસ્થા જ રાબેતા મુજબ રહેશે અને હૉલ ટીકિટ પણ અગાઉની જ રહેશે જે વિદ્યાર્થીએ લઈને આવવાની રહેશે. નવેસરથી હોલ ટીકિટ જાહેર નહી કરવામા આવે કે બેઠક વ્યવસ્થા પણ બદલવામા નહી આવે.આ પરીક્ષાઓમાં ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.