Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યના ૮૦ હજાર વકીલોને આર્થિક લાભ આપો

અમદાવાદ: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સિનિયર મેમ્બર પરેશ વાઘેલા, મુકેશ કામદાર, ગુલાબખાન પઠાણ અને રણજીતસિંહ રાઠોડે લોકબંધીને કારણે બેરોજગાર બનેલા અને આર્થિક તકલીફોનો સામનો કરી રહેલા ૮૦૦૦૦ વકીલોને આર્થિક પગભર થાય તે હેતુથી સરકારી લાભ આપવા માગણી કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી અને કાયદામંત્રીને ગુજરાતના વકીલો માટે કરેલી માંગણીઓ સંબંધે તેઓ જણાવે છે કે, ગુજરાત રાજ્ય હાલની પરિસ્થિતિમાં વિકાસ મોડેલ બની રહ્યું છે તે બદલ સરકારને અભિનંદન છે.

હાલની પરિસ્થિતિમાં કોર્ટો અને સ્કૂલો સિવાય બધું જ ધીમે ધીમે ખુલી રહ્યું છે ત્યારે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પણ દરેક બાર એસોસિએશનની રજૂઆત વર્ચુઅલ મીટિંગથી સાંભળી કોર્ટો ખોલવા બાબતે ઠરાવ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મોકલેલ છે. હજુ પણ કોર્ટો પૂર્વવ્રત ખુલવાની સંભાવના ઓછી છે ત્યારે અને એડવોકેટ એક્ટની જોગવાઈના બંધન પ્રમાણે વકીલો વકીલાત સિવાય અન્ય કોઈ ધંધો રોજગાર કરી શકતા નથી. છેલ્લા ૫ાંચ મહીના જેટલા સમયથી જ્યારે કોર્ટો બંધ છે ત્યારે ગુજરાતના ૮૦૦૦૦ જેટલા વકીલો કામકાજથી અળગા થઈ ગયેલ છે અને તેમાંથી મોટાભાગના પોતાનુ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકવા અસમર્થ થઈ ગયેલ છે.

દરેક વકીલ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે તે માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આર્થિક પેકેજમાં સમાવી લઈ વિના વ્યાજની કે ઓછા વ્યાજની સરકારી સબસીડી વાળી રૂ. ૫ લાખની લોન આપવા, જુનિયર વકીલો ને રૂ. ૫ હજાર સ્ટાઇપેંડ આપવા તથા વકીલો ઉપર થતાં હુમલાઓ સામે રક્ષણ આપવા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા તથા જે વકીલોની વકીલાતનાં દસ વર્ષ પુર્ણ થયા હોય તેઓને નોટરી બનાવવા જોઈએ. આમ, ઉપરોક્ત બાબતે માનવીય અભિગમ અપનાવી આઝાદીની લડતમાં અગત્યનો ભાગ ભજવનારા વકીલોની હાલની પેઢી પણ દેશનાં વિકાસમાં અગત્યનો ભાગ ભજવી શકે તે સારું અમારી ઉપરોક્ત માંગણીઓ સત્વરે સંતોષવા માટે આગામી વિધાનસભા સત્રમાં અધ્યાદેશ લાવવા વિનંતી કરેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.