ગુજરાત રાજ્યની પ્રથમ સૌથી મોંઘી ઈલેક્ટ્રિક કાર જર્મનીથી આવી
કચ્છના રાજવી પરિવારે એક કરોડની ઈલેક્ટ્રિક કાર ખરીદી-રાજ્યની આ પ્રથમ આટલી મોંઘી ઈલેક્ટ્રિક કાર કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ 1 કરોડની ઈલેકટ્રીક કારને જર્મનીથી ઈમ્પોર્ટ કરાવી
કચ્છ, ભારત સહિત દુનિયાભરમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ લોકો ઈલેક્ટ્રિક કાર પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં કચ્છના રાજવી પરિવાર દ્વારા એક કરોડની કિંમતની ઈલેક્ટ્રિક કાર ખરીદવામાં આવી છે. જાે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યની આ પ્રથમ આટલી મોંઘી ઈલેક્ટ્રિક કાર છે.
કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ કારને જર્મનીથી ઈમ્પોર્ટ કરાવી હતી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને આ કાર સોંપવામાં આવી હતી. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશા પર્યાવરણને જાળવી રાખવા અને તેના બચાવ માટે પ્રયત્નશીલ હતા.
આપણે સૌ જાણીએ છીએ કે વાહનોથી થતા હવાના પ્રદૂષણને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. માટે જ મહારાવે પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્સને ઈલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો. મહારાવ પ્રાગમલજી ત્રીજાને વિન્ટેજ કારો અને ઓટોમોબાઈલનો ઘણો શોખ હતો.
મર્સિડીઝ બેન્ઝ કંપનીની આ ઈલેક્ટ્રિક કારની કિંમત એક કરોડથી પણ વધારે છે. આ ઈક્યુસી-૪૦૦ ઈલેક્ટ્રિક કાર માટે રાજવી પરિવાર દ્વારા ઓર્ડર આપવામાં આવ્યો હતો. જર્મનીમાં આ કારને બનાવવામાં આવી હતી. ૧૨ જુલાઈના રોજ આ કાર ભુજ રણજિત વિલા પેસેલ પહોંચી હતી. મર્સિડીઝ બેન્સ ઈક્યુસી-૪૦૦એ મર્સિડીઝની સૌપ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઈલેક્ટ્રિક કાર છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર પણ છે.
આ કારમાં સાત એરબેગ છે. ગાડી એક વખત ચાર્જ કર્યા પછી ૪૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. કારને ફુલ ચાર્જ થતાં ૭.૩૦ કલાકનો સમય લાગે છે.
આ ઈલેક્ટ્રિક કારની અંદર ૬૪ રંગની ઈન્ટીરિયર લાઈટિંગ સેટ કરી શકાય છે. આ ઉપરાંત એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઈન્ડ સ્પોટ આસિસ્ટ વગેરે જેવા ફીચર્સ પણ છે. કારમાં ૧૦.૨૫ ઈંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે.કોઈ પણ વ્યક્તિ ડ્રાઈવર સીટ પર બેસે તો હાઈટ અને બોડી પ્રમાણે આ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે.
વોઈલ આસિસ્ટન્ટ, સનરૂફ અને થ્રી ઝોન ક્લાઈમેટ કંટ્રોલ જેવા અદ્યતન ફીચર્સ પણ ઉપલબ્ધ છે. આ ઈક્યુસી-૪૦૦ ઈલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાતમાં પ્રથમ કાર છે. મહારાવના વારસદાર મયુરધ્વજ સિંહ જણાવે છે કે, મહારાવને વિન્ટેજ કારનો શોખ હતો અને તેઓ પર્યાવરણ પ્રેમી પણ હતા.
મહારાવે ઈલેક્ટ્રિક કાર ખરીદીને લોકોમાં પર્યાવરણની જાળવણી માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણને જાળવવા માટે આપણે પરિવર્તન લાવવું પડશે.