ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૧૫૯૮ કેસ આવ્યા
ગાંધીનગર, અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કુલ ૧૫૯૮ કેસ નોંધાયા હતા. ૧૫૨૩ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી. આજે ગુજરાતમાં કુલ ૧૫ લોકોના મોત થયા હતા. મોતનો આંકડો વધીને હવે ૩૯૫૩ ઉપર પહોંચી ગયો છે. સતત આઠમાં દિવસે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ કેસ ઘટવાના બદલે વધી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૩૨ કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં ૨૨૮, વડોદરામાં ૧૩૮ નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ કેસ વધી રહ્યા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના કેસ વધવાની સાથે મૃત્યુ પણ વધી રહ્યા છે. અમદાવાદમાં સતત બીજા દિવસે કોરોનાથી ૧૦ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના ૩૩૨ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૩૫૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લામાં ૨૫ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત શહેર કોવિડ-૧૯થી સૌથી વધારે અસરગ્રસ્ત છે.
સુરતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી દૈનિક ૨૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં ૨૪ કલાકમાં ૨૨૮ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૮૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કેસની સંખ્યા ઘટી રહી નથી. સુરત જિલ્લામાં ૫૬ નવા કેસ નોંધાયા છે અને ૪૧ દર્દીઓ સાજા થયા છે. સુરત શહેરમાં કોવિડ-૧૯ના કારણે બે લોકોના મોત થયા છે. અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
વડોદરામાં ૧૩૮ નવા કેસ નોંધાયા છે અને ૧૨૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. વડોદરા જિલ્લામાં ૪૧ કેસ નોંધાયા છે અને ૨૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.
રાજકોટ શહેરમાં ૯૮ નવા કેસ નોંધાયા છે. તેની સામે ૮૯ દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં ૫૩ કેસ નોંધાયા છે અને ૪૩ દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં અને વડોદરા જિલ્લામાં કોરોનાથી એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.