Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ ૪૮ તાલુકામાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાવા લાગી છે. ગુજરાતના કેટલાક પ્રાંતોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે.

વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જેમાં માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ગામની શેરીઓમાં નદીઓ વહી છે. તો માલપુરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ, ભિલોડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ધનસુરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. મોડાસા અને મેઘરજમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

ભિલોડામાં બે કલાકમાં બે ઈંચ ખાબક્યો : ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર શરૂ

જેમાં અરવલ્લીના ભિલોડામાં બે ઈંચ તથા સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક માં રાજયના ૪૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આગામી ૩ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી મોસમનો કુલ ૮૯.૫૭% વરસાદ ગુજરાતમાં નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ છવાયેલો છે.

જિલ્લાના વડાલી તાલુકામાં પોણા બે ઇંચ તથા પોશીનામાં પોણો એક ઇંચ વરસાદ ખાબકતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં ઇડરમાં ૧૩ મીમી, ખેડબ્રહ્મા ૧૦ મીમી, તલોદમાં ૦૨ મીમી, પ્રાંતિજમાં ૦૧ મીમી, વિજયનગરમાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. તો તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં વરસાદના છાંટા પડ્‌યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૪ ઓગસ્ટથી લઈને પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ૨૫મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

જ્યારે કે, ૨૬ અને ૨૭ ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગોમાં હાલ વરસાદી માહોલ છે. જેમાં મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. અહીં મોડી રાતથી ધીમીધારે વરસી વરસાદ વરસી રહ્યો છે. કડાણામાં ૨૨ મીમી, સંતરામપુર ૧૦ મીમી, ખાનપુર ૭મીમી અને લુણાવાડા ૧ મીમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, પંચમહાલમાં પણ ગોધરા સહિત સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે જિલ્લાના મકાઈ, બાજરી, તુવર અને ડાંગર સહિતના પાકોને ફાયદો થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.