ગુજરાત રાજ્યમાં હજી પણ વરસાદની ૨૯ ટકા ઘટ
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે, તો ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી ૩ દિવસ ભારે વરસાદ વરસશે. આ ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ૩ ઓગસ્ટે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૩૩ ટકા જ વરસાદ નોંધાયો છે.
જ્યારે હજુ પણ ૨૯ ટકા વરસાદની ઘટ છે. આ સાથે હવામાન શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં આગાહી કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટની શરૂઆતમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેના લીધે નર્મદા નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી નદીનું જળસ્તર વધે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પાંચથી ૮ ઓગસ્ટ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે ગીર, સોમનાથ, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં મેઘમહેર થઇ શકે છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આ ચોમાસાનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૩૩.૭૦ ટકા વરસાદ થયો છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઇંચ સાથે સિઝનનો સૌથી વધુ એટલે કે ૩૫.૧૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં ૫.૨૭ ઈંચ સાથે ૩૦.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે ૨૮.૧૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૦.૫૬ ઈંચ સાથે ૩૦.૦૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ઈંચ સાથે ૩૧.૮૯ ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં આ સિઝનનો ૩૪.૯૦ ટકા, પાટણનો ૪૧.૭૬ ટકા તથા બનાસકાંઠામાં ૨૫.૯૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે.