ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગની કામગીરી અને યોજનાઓની જાણકારી અંગેની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ(સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર) અને જિલ્લા સમાજ કલ્યાણ કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગની કામગીરી અને યોજનાઓની જાણકારી અંગેની બેઠક આયોગના અધ્યક્ષશ્રી હંસરાજ જી.ગજેરાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
આ બેઠકમાં અધ્યક્ષશ્રીએ બિન અનામત વર્ગોમાં સમાવિષ્ટ વર્ગોને પ્રમાણપત્ર મેળવવા માટેના પુરાવા તેમજ બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિવિધ શૈક્ષણિક, ભોજન બિલ સહાય, કોચિંગ સહાય, JEE, GUJCET, NEET પરીક્ષા માટે કોચિંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય, વિદેશ અભ્યાસ લોન, સ્નાતક તબીબી, વકીલ, ટેકનીકલ સ્નાતક માટે લીધેલ લોન પર વ્યાજ સહાય, શૈક્ષણિક અભ્યાસ યોજના (લોન), વિદેશ અભ્યાસ લોન, સ્વ-રોજગારલક્ષી યોજાનાઓ (લોન), કોમર્શિયલ પાયલોટ તાલીમ માટેની લોન વગેરે કલ્યાણકારી યોજનાઓની વિગતો આપી તેનો લાભ લેવા જણાવ્યુ હતુ. આયોગના ઉપાધ્યક્ષશ્રી રશ્મીકાંત પંડયાએ બિન અનામત વર્ગોની યોજનાઓ વિશે સક્રિયતાની જરૂરિયાત રાખી સામાજિક સમરસતા દાખવી સમાજના સર્વાગી વિકાસ કઇ રીતે કરી શકાય તે તરફ ધ્યાન રાખી યોજનાના લાભ લેવા જણાવ્યુ હતું.
આયોગના સભ્ય સચિવશ્રી ર્ડો.દિનેશ કાપડિયાએ બિન અનામત વર્ગોના આયોગ અને નિગમના ઉદ્દેશો અને કાર્યો વિશે વિસ્તૃત વિગતો આપી હતી. અરવલ્લી જિલ્લા .કલેક્ટરશ્રી એમ.નાગરાજને બિન અનામત વર્ગોનો આપવામાં આવતી યોજના આપવા અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે વહીવટી તંત્ર દ્રારા પુરેપુરા પ્રયાસો કરી રહી હોવાનુ જણાવ્યુ હતું.
આ બેઠકમાં આયોગના સભ્યો દ્રારા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી અમલીકરણ અધિકારીશ્રીઓ, બિન અનામત વર્ગોના જિલ્લાના સભ્યો વગેરે ઉપસ્થિત રહયા હતા.*