ગુજરાત રાજ્ય યુવક બોર્ડનું નવું નાભામિધાન : “સ્વામિ વિવેકાનંદ-ગુજરાત રાજ્ય યુવા બોર્ડ” કરાયું
જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠીને દેશહિત માટે યુવાનો સંકલ્પબદ્ધ બને તે આજના સમયની માંગ છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિ વિવેકાનંદની ૧૫૭ મી જન્મજયંતિ નિમિત્તે યુગપુરૂષ યુવા પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જ્ઞાતિ-જાતિથી ઉપર ઉઠીને દેશહિત માટે આજના યુવાનોને સંકલ્પબદ્ધ બનવાની આજના સમયની માંગ છે.
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ હજારથી વધુ યુવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ યુવા પરિષદને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે મહાત્મા મંદિર ખાતે વિરાટ યુવા શક્તિના દર્શન થઇ રહ્યા છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે, આજની યુવાપેઢી ચોક્કસ લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. આજનો યુવાન આવતીકાલનો નહીં પણ આજનો એક જવાબદાર નાગરિક છે. જે આજના આ કાર્યક્રમથી સ્પષ્ટ થાય છે.
ગુજરાતના છાત્રોએ રાષ્ટ્રનિર્માણની ચિંતા કરીને સેવાના માધ્યમથી દેશના પુનઃનિર્માણ માટે કમર કસવાની જરૂર છે.
૧૫૭ વર્ષ બાદ પણ આજે સ્વામિ વિવેકાનંદ દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઇ રહ્યા છે. સ્વામીજીએ “વે ઓફ લાઇફ”નો મંત્ર આપ્યો છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અગાઉની સરકારોએ સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણવર્મા, સુભાષચંદ્ર બોઝના વિચારોને હાંસિયામાં ધકેલીને માત્ર ગાંધી અને નહેરૂ પરિવારને જ મહત્વ આપ્યું હતું.
જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ એટલે કે, ૧૨ મી જાન્યુઆરીને સમગ્ર દેશમાં યુવા દિવસ તરીકે ઊજવીને દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો એક નવો સંચાર કર્યો છે. એટલું જ નહીં કોંગ્રેસે જેને દેશવિરોધી ગણાવીને અપપ્રચાર કરી રહી છે તેવા દેશભક્ત વીર સાવરકરને અંગ્રેજોએ આંદામાન-નિકોબારની જેલમાં કાળા પાણીની સજા કરી હતી તેને વડાપ્રધાનશ્રી મોદીએ સ્મારક તરીકે જાહેર કરી, સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ થકી અને ગુજરાતના સપૂત એવા શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિને સ્વિટઝરલેન્ડથી ભારત લાવીને સન્માન સાથે વિસર્જન કરીને આ દેશભક્તોને યોગ્ય માન-સન્માન આપીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિ માટેની અનેરી ચેતના જગાવી છે ત્યારે આજના યુવાનો પણ આ માટે સંકલ્પબદ્ધ બને એવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના લાખ્ખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા સ્વામિ વિવેકાનંદની જન્મજયંતિએ બેલુર મઠની મુલાકાત લઇને દેશના યુવાનોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના નયા ભારતના સંકલ્પને સાકાર કરવા આજની યુવાશક્તિ સંકલ્પબદ્ધ બને અને તેમાં ગુજરાત અગ્રેસર બને તે માટે યુવાનોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યુવાનોના સર્વાંગી વિકાસ માટે સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના માધ્યમથી યુવાનો કૃષિ, ઇજનેરી, ઉર્જા જેવા ક્ષેત્રોમાં નવા-નવા સંશોધનો કરીને રોજગારીની સાથે-સાથે રાષ્ટ્રનિર્માણમાં પણ સહભાગી બનશે. રાજ્ય સરકાર પણ આ પ્રકારના નવા નવા આયામો થકી વધુ રોજગારી આપવા કટીબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી માટે કાર્યરત વિવિધ યોજનાઓની જાણકારી અને લાભો રાજ્યભરના સ્વામિ વિવેકાનંદ કેન્દ્રો દ્વારા મળે તે માટે યુવાનોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સ્વામિ વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વિશ્વમાં પ્રથમવાર હિન્દુ ધર્મની વિજયપતાકાઓ લહેરાવીને જાતિ – ધર્મમાં ભેદભાવ ભૂલીને “વસુધૈવ કુટુમ્બકમ”નો મંત્ર સમગ્ર વિશ્વને આપ્યો હતો. અને સમગ્ર વિશ્વના યુવાનોને “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી કાર્યરત રહો” તેવો મંત્ર આપ્યો હતો. આ મંત્રને ચરિતાર્થ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ”ના ધ્યેય સાથે આગળ વધીને ભારતને વિશ્વગુરૂ બનાવવાનો નિર્ધાર કર્યો છે. તે દિશામાં આજે ભારત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. તેમા દેશના યુવાનો પણ પોતાનો સક્રિય યોગદાન આપે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
શ્રી રૂપાણીએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે વર્ષોથી પડતર એવી કાશ્મીર માટેની કલમ-૩૭૦ ને હટાવીને તેમજ ત્રિપલ તલાક અને હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસતા અને યાતના ભોગવતા હિન્દુ સહિત અન્ય પાંચ લઘુમતિ સમુદાયોને ભારતની નાગરિકતા આપતો નાગરિકતા સુધારા કાયદો – CAA નો અમલ કરીને ચૂંટણીમાં આપેલા વચનો પૂર્ણ કરવા તરફ આગળ વધી રહી છે. CAA ના સમર્થનમાં આજે મહાત્મા મંદિર ખાતે ૧૦ હજારથી વધુ યુવાનોએ મુખ્યમંત્રીશ્રીની હાકલથી ૮૮૬૬૨ ૮૮૬૬૨ પર મિસ્ડ કોલ કરીને પોતાનું સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૩૭૦ની કલમ દૂર કર્યા બાદ આ વર્ષે ૨૬મી જાન્યુઆરીએ સૌ પ્રથમ વખત ભારતનો ત્રિરંગો કાશ્મીરમાં લહેરાશે. આ રાજકીય ઇચ્છા શક્તિના પરિણામે દેશ સહિતમાં અનેકવિધ નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા લેવાઇ રહ્યા છે.
યુવક-સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોને “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી કાર્યરત રહો” તેવો પ્રેરણાદાયી સંદેશ સ્વામિ વિવેકાનંદે આપ્યો હતો. વિશ્વના યુવાધનના હ્દય સમ્રાટ એવા અને આદર્શ સ્વામિ વિવેકાનંદના જીવન ચરિત્રને ઉજાગર કરવા તેમની જન્મજયંતિ નિમિત્તે આજે યુગપુરુષ યુવા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોમાં પડેલી શક્તિને ઊજાગર કરવા અનેક યોજનાઓ અમલી બનાવી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૨માં રાજ્ય યુવક બોર્ડ નવપલ્લિત કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાધનને સાકારાત્મક કાર્ય કરવા અને રાજ્યના વિકાસમાં સહભાગી બનાવવા રાજ્યના ગામેગામ વિવેકાનંદ મંડળ કાર્યરત કરવામાં આવ્યા છે. મંડળ થકી કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા અને વિવિધ યોજનાઓની માહિતી ગામે-ગામ આપીને સાચા લાભાર્થીઓને યોજનાનો લાભ લઇ રહ્યા છે. ખેલ મહાકુંભ થકી યુવાનોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમતમાં રાજ્યનું નામ ઊજાગર કર્યું છે.
આ સરકાર ગુજરાતના યુવાધનનો સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલ યાદવે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં યોગને ઘર-ઘર સુધી પહોંચાડવા, કોઇ બિમાર ન થાય, તમામ તંદુરસ્ત રહે તેવા હેતુથી રાજ્યમાં યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. યોગ વિશ્વની ભારતની દેન છે. દેશના યુગપુરૂષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી આજે સમગ્ર વિશ્વ ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. વડાપ્રધાનશ્રીના “ફીટ ઇન્ડિયા” અભિયાનને સફળ બનાવવા યોગ અગત્યની ભૂમિકા ભજવી રહી છે. યોગ બોર્ડ દ્વારા આગામી સમય ૫૦૦૦ જેટલા યુવક-યુવતીઓને યોગના ટ્રેનર અને શિક્ષક તરીકે તાલીમ આપવામાં આવશે. યોગ ટ્રેનર બનીને તમારા ગામ કે સોસાયટીમાં સવાર અથવા સાંજે ૧ કલાક યોગ કેન્દ્ર ચલાવનારને યોગ બોર્ડ માસિક રૂા. ૩ હજારનું માનદ વેતન પણ આપશે. આ યોગ કેન્દ્રમાં જોડાઇને તમે તમારું તંદુરસ્ત સ્વાસ્થ્ય અને આર્થિક ઉપાર્જન પણ મેળવી શકશો તેવો શ્રી શીશપાલે યુવાનોને અનુરોધ કર્યો હતો.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. વી. સોમે યુવા દિવસની ઊજવણી નિમિત્તે સમગ્ર મહાનુભાવો રાજ્ય ભરમાંથી આવેલ યુવાનોને આવકારીને શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડનું નવું નામાભિધાન કરીને સ્વામિ વિવેકાનંદ – ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કરવામાં આવ્યું છે.
છેવાડાના ગામ-લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિ કરીને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડનાર યુવાનોને મુખ્યમંત્રીશ્રી દ્વારા યુથ એવોર્ડ તેમજ રૂા. ૨૧ હજારની રાશિ આપીને સન્માનિત કરાયા હતા. યુગપુરુષ યુવા પરિષદમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રામકૃષ્ણ વિવેકાનંદ વેદાંત સાહિત્ય પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. જેમાં સ્વામિ વિવેકાનંદના બાળપણથી લઇને યુવાવસ્થાના સમગ્ર જીવનકાળના વિવિધ પુસ્તકો-ઉપદેશ ગ્રંથો, આકર્ષક તસવીરો, સ્વામિ વિવેકાનંદજીના વિશાળ પોટ્રેટ યુવાઓમાં આકર્ષણ જમાવ્યું હતું. યુવાઓએ સ્વામી વિવેકાનંદજીના આકર્ષક ફોટો અને પોટ્રેટ સાથે સેલ્ફી લીધી હતી.
બેલૂર મઠના માધ્યમથી નિર્મિત સ્વામિ વિવેકાનંદના જીવન ઉપરની એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન-રાજકોટના સ્વામિ નિખિલેશ્વસનંદજી, ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજ પટેલ, ગુજરાત રાજ્ય યુવા બોર્ડના હોદ્દેદારો, સ્વામિ વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજક સહિત રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.