ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિના ઉપક્રમે યોગ શિબિર આયોજન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યોગગુરૂ સ્વામી રામદેવજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે શ્રી સ્વામી રામદેવજી સાથે કર્યા યોગ અને પ્રાણાયામ
સવારે યોગ કરવાથી નવા વિચારો આવે છે અને એ વિચારો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન પણ આપે છે : યોગગુરુ સ્વામી રામદેવજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યોગગુરૂ સ્વામી રામદેવજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, યોગ – આસનો સ્વાસ્થ્ય માટે નવી પ્રેરણા આપે છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મની સંસ્કૃતિ છે. મહર્ષિ પતંજલિએ યોગ સૂત્ર દ્વારા યોગ વિદ્યાને વિશ્વને ચરણે ધરી, યોગની આ ઋષિ પરંપરાને જન જન સુધી પહોંચાડીને સ્વામી રામદેવજીએ યોગ દ્વારા સામાજિક સ્વાસ્થ્યને સુદઢ કરવામાં શ્રેષ્ઠ સહયોગ આપ્યો છે.
રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને ભારત સુધી સીમિત નહીં રાખતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ૧૭૭ દેશોના સમર્થન દ્વારા સર્વ સંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા આખું વિશ્વ પ્રેરિત થયું છે.
રાજ્યપાલશ્રીએ ‘ શરીર માદ્યમ્ ખલુ ધર્મ સાધનમ્’ અર્થાત સ્વસ્થ શરીર દ્વારા જ સર્વ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યો થઇ શકે છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ્ય મનનો વાસ હોય છે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ યોગને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘ ફીટ ઇન્ડિયા’નું સૂત્ર આજે યોગ થકી સાકાર થઇ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આગામી ૨૧ જૂન -૨૦૨૨ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, વધુમાં વધુ નાગરિકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાઇને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘ફિટ ઇન્ડિયા’ના મંત્રને સાકાર કરવામાં પોતાનો મહત્વનો ફાળો આપે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે શ્રી સ્વામી રામદેવ એ કહ્યું કે, આજે તમામ રોગની દવા યોગમાં છે. યોગ કરવાથી ઘણા રોગમાં રાહત મળી રહી છે. હું છેલ્લા 45 વર્ષથી યોગ કરી રહ્યો છું અને ૩૦ વર્ષથી લોકોને શીખવાડી રહ્યો છું.
તેમણે વધુમાં ઉમેર્યું, સવારે યોગ કરવાથી નવા વિચારો આવે છે અને એ વિચારો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન પણ આપે.
યોગની સેંકડો પહેલુંઓ છે. શારીરિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક જગ્યાઓએ આજે યોગનું મહત્ત્વ વધી રહ્યું છે. આપણો દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી યોગ સાથે પણ કરી રહ્યો છે અને દેશના વિવિધ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું પણ આયોજન થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે શ્રી સ્વામી રામદેવજીએ યોગ કરવાથી શું ફાયદો થાય છે તેની જાણકારી પણ ઉપસ્થિત લોકોને આપી હતી.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે એ બદલ યોગ ગુરુ સ્વામી રામદેવજીએ આ અભિનવ પહેલ બદલ યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સર્વે સાંસદશ્રીઓ, સર્વે ધારાસભ્યશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ તેમજ મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ જોડાયા હતા.