ગુજરાત રિફાઈનરીમાં કોરોના વિસ્ફોટ: કર્મચારીઓ અને પરિવારના સભ્યો મળી ૧૬૬ સંક્રમિત
-કોરોના સંક્રમિત થયેલા પૈકીના ૭૧ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં જ રહે છે-બીજી તરફ નંદેસરીની SBI બેંકમાં પણ કોરોના ફાટ્યો છે.
વડોદરા, ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર સૌથી વધુ છે, તેમાં વડોદરા પણ બાકાત નથી. ત્યારે વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ જાેવા મળ્યો છે. રિફાઇનરીમાં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ ૧૬૬ લોકો સંક્રમિત થયા છે.
સંક્રમિત થયેલા પૈકીના ૭૧ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં જ રહે છે. ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના બની છે. તો બીજી તરફ નંદેસરીની SBI બેંકમાં પણ કોરોના ફાટ્યો છે. બ્રાન્ચના ૧૨ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આટલા બધા કર્મચારીઓ એકસાથે સંક્રમિત થતા બેંક બંધ કરવાની ફરજ પડી છે. GIDC ના મોટાભાગના ઉદ્યોગોના બેં એકાઉન્ટ આ બ્રાન્ચમાં છે. ત્યારે લાંબો સમય બેંક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ પડી શકે છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ બેંક ફરી શરૂ કરાશે.
વડોદરામાં જીવલેણ કોરોના એક શિક્ષિકાને ભરખી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. શિક્ષણ સમિતિની શાળામાં કોરોનાના કારણે મોતની પ્રથમ ઘટના સામે આવી છે. આ શાળામાં ૩૫ જેટલા શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અગાઉ ૨૫ શિક્ષકો સંક્રમિત થયા હતા.
છેલ્લા બે દિવસમાં ૧૦ શિક્ષકો સંક્રમિત થતા આંકડો ૩૫ એ પહોંચ્યો છે. કોરોના બેકાબૂ બનતા શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વડોદરા શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા ૨૪ કલાક માં ૩૫૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોનાના કારણે ૨૪ કલાકમાં ૧ દર્દીનું મોત નિપજ્યું છે. તો સામે ૧૦૩ દર્દીઓની હાલત ગંભીર છે, જેઓ હાલ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી વડોદરામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ ૨૭૯૯૮ થયા છે. આજે વધુ ૧ દર્દીના મોત સાથે કુલ મૃત્યુ આંક ૨૪૯ એ પહોંચ્યો છે.