Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં ૫૮ ટકા મતદાન

અમદાવાદ : ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં આજે એંકદરે ધીમુ અને સરેરાશ મતદાન નોંધાયું હતું. ભારે લોખંડી બંદોબસ્ત અને સુરક્ષા વચ્ચે વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ હતી, જે સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પરની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા સાંજે પૂર્ણ થયા બાદ કુલ ૪૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. ચૂંટણી પંચ દ્વારા ઉભા કરાયેલા ૧૭૮૧ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયુ હતું.

હવે તા.૨૪મી ઓકટોબરના રોજ તમામ છ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવશે. શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ રહ્યુ હતુ પરંતુ સાંજે છેલ્લા બે કલાકમાં મતદાન મથકો પર મતદારોનો ભારે ધસારો રહ્યો હતો.

જેના કારણે તમામ છ બેઠકો પર સરેરાશ ૫૬ ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. આજે સાંજે છ વાગ્યા સુધીમાં થરાદમાં સૌથી વધુ ૬૯-૭૧ ટકાથી વધુ, રાધનપુરમાં ૬૨-૬૫ ટકા, ખેરાલુમાં ૪૫-૫૦ ટકા, બાયડમાં ૬૧-૬૩ ટકા, અમરાઈવાડીમાં સૌથી ઓછુ ૩૩ -૩૫ ટકા, અને લુણાવાડામાં ૫૧-૫૩ ટકાની આસપાસ મતદાન નોંધાયુ હતુ. સમગ્ર દિવસ દરમ્યાન આજે દરેક તબક્કે થરાદ પર સૌથી વધુ મતદાન નોંધાયું હતું.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ખાસ તો, ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું હતુ.

સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું હતુ. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે પણ મતદાન કર્યું હતુ. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું હતુ. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું હતુ.

મતદાન કરો તો મફતમાં શેવીંગ કરવાની ઓફર મતદાનને દિવસે એક હેર સલુન દ્વારા કરવામાં આવી હતી. (તસવીરઃ જયેશ મોદી)

બાયડના લીંબ-૨માં ઇવીએમ મશીન ખોટવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રધુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે. છ બેઠકોની પેટા ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા કુલ ૧૭૮૧ મતદાન મથકો ઊભાં કરાયાં હતા. આશરે ૮૫૦૦થી વધુ કર્મચારીઓને ચૂંટણી ફરજમાં તૈનાત કરાયાં હતા. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. આ બેઠક પર કુલ ૧૦
ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે.

અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં ૭ ઉમેદવારો મેદાનમાં છે. ખેરાલુ બેઠક પર ૪ ઉમેદવારો છે. જેમાં ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોર વચ્ચે સીધી ફાઇટ છે. થરાદ બેઠક પર ૭ ઉમેદવારો જંગમાં છે. જેમાં ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે ખરાખરીનો જંગ છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી અને અપક્ષ મળી ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. સમગ્ર દિવસ દરમ્યાન મતદાનની પ્રક્રિયા દરમ્યાન ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવતા જાવા મળ્યા હતા અને હવે પરિણામ સુધી ઉમેદવારોને પ્રજાના મિજાજને લઇ થોડી ચિંતા અને જીવ ઉંચા રહેશે. તા.૨૪મીએ પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોની તાકાત સ્પષ્ટ થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.