Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી જાહેર, 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે મતગણતરી

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકની પેટાચૂંટણીની આજે જાહેરાત કરાઈ છે. 8 બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરાઈ છે. આ 8 બેઠકની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરે મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડીયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા. આમ બે તબક્કામાં 8 બેઠક ખાલી થઇ છે.

ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે, કોંગ્રેસ દ્વારા આ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠકદીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઇકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.

ભાજપના આગેવાનોની કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કૃષિ બિલના સંદર્ભે ગામડે-ગામડે જઈ ખાટલા બેઠક કરવામાં આવશે. આ બેઠકોને પરિણામે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના વિરોધમાં પ્રચારને ખાળશે. તો વિધાનસભાની આઠેય બેઠક પૈકીની પાંચ બેઠકના ઉમેદવારો મોટે ભાગે નિશ્ચિંત છે, જયારે બાકીની બેઠકો પર નામની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.