Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભા ગૃહમાં જુદા જુદા વિષયો પર માહિતી અપાઈ

File Photo

અમદાવાદ,  ગુજરાત વિધાનસભામાં જુદા જુદા વિષય પર આજે પણ પ્રશ્નોના જવાબ સંબંધિત મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા હતા. આજે આણંદ જિલ્લામાં શ્રમ કાયદાના ભંગ કરવાના વિષય પર જવાબ અપાયા હતા. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ઈન્દિરા ગાંધીપેશન યોજના પર માહિતી અપાઈ હતી. આજે વિધાનસભામાં પ્રશ્નોતરીની સાથે સાથે નીચે મુજબ છે.

ઈન્દિરા પેન્શન યોજના હેઠળ ૧૧૨ લાભાર્થીઓને સહાય

અરવલ્લી જિલ્લામાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ હેઠળ સહાય અંગેના વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરીકાળમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૪૨ અરજીઓ આવી હતી અને તે પૈકી ૧૧૨ લાભાર્થીઓને રૂપિયા ૯.૧૮ લાખની સહાય ચૂકવાય છે. તેમણે ઉમેર્યું કે નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના તારીખ ૩૧-૭-૨૦૦૯ થી શરૂ કરાઇ છે જેમાં ગરીબી હેઠળ જીવતા દિવ્યાંગ વ્યક્તિને સહાયરૂપ થવા માટે આ યોજના અમલી બનાવી છે જેનો મૂળ ઉદ્દેશ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટેનો છે અને તેમને નાણાકીય સહાય કરવામાં આવે છે.

શ્રમ કાયદાનો ભંગ કરતા ૬૨ એકમો સામે કેસ

આણંદ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં કાયદાનો ભંગ કરાતા ૧,૨૭૪ એકમોની તપાસ કરી ૬૨ એકમોને કસૂરવાર જણાતા ૧૪૪ ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યા છે તેમ શ્રમ રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું છે. આણંદ જિલ્લામાં શ્રમ કાયદા અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે ઔદ્યોગિક એકમોના કામદારોને લઘુતમ વેતન વધે તે માટે વિભાગ સતત પ્રયાસ કરે છે એટલું જ નહીં ઓછું વેતન આપતા ૪૦ એકમોને સમજાવટથી પ્રયાસ કરતાં ૧,૭૪૩ કામદારોને રૂપિયા ૨.૪૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમોમાં સમયની માંગ અનુસાર સરકાર દ્વારા ચાલતા કૌશલ્યવર્ધન કેન્દ્રો માટે ટેકનોલોજી અપગ્રેડ કરી તે અનુસાર તાલીમ પણ આપવામાં આવી રહી છે.

૧.૫૭ લાખ વિદ્યાર્થીને ગણવેશ સહાયતા અપાઈ

ગણેશ સહાય યોજના હેઠળ ૨૦૧૯ અંતિત બે વર્ષની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ૫૮,૯૧૬ અરજીઓ મંજૂર કરી રૂપિયા ૩.૫૩ કરોડ અને ભાવનગર જિલ્લામાં ૧,૩૮,૨૮૧ અરજીઓ મંજૂર કરી રૂપિયા ૮.૨૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વાસણ આહિરે જણાવ્યું છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં વિકસતી જાતિના વિદ્યાર્થીઓના ગણવેશ સહાય અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે આ માટે અગાઉ સહાય મેળવવા આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૪૮ હજાર અને શહેરી વિસ્તારમાં ૬૮ હજાર હતી જેને વર્ષ ૨૦૧૫થી આ સરકારે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય તમામને સહાય ચૂકવવાનો નિર્ણય કરેલ છે.

બનાસકાંઠામાં ૧૩૩૭૪ ઘરમાં પાણીના જાડાણ

રાજ્યના તમામ ઘરોમાં આગામી વર્ષ-૨૦૨૨ સુધીમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાના શુદ્ધ પાણીના જોડાણ આપવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે. બનાસકાંઠામાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૧૩૩ તેમજ વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૨૪૧ ઘરોમાં પીવાના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે તેમ વિધાનસભાગૃહમાં બનાસકાંઠામાં પીવાના પાણી અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તર આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે બનાસકાંઠામાં દાંતીવાડા અને ધાનેરામાં પીવાલાયક પાણી ન હોય તેવા કુલ ૪૬ ગામો છે જેને આગામી ૬ માસમાં કેન્દ્રની નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.