Western Times News

Gujarati News

સ્ટેમ્પ ડ્યુટી વસૂલી માટે બહાર પડાયેલો પરિપત્ર બંધારણની કલમ ૨૦(૧) સાથે સુસંગત ન હોઇ રદ થવાને પાત્ર છે?!

અદાલતમાં અધિકારીનો પરિપત્ર ટકી શકે એવો નથી?

સરકાર પાછલી તારીખથી અમલ કરતો કાયદો વિધાનસભામાં પણ ઘડી શકે નહીં! ત્યારે અધિકારીએ પરિપત્ર બહાર પાડી પાછલી તારીખ થી અમલ કરવાનો આદેશ આપી ને શું સાબિત કરવા માંગે છે?!

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર ગુજરાત વિધાનસભાની છે કોઈપણ સરકારી અધિકારી કે પોલીસ અધિકારી ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા ની ઉપર વટ જઈને વર્તી શકે નહીં કે દેશમાં બંધારણ બક્ષેલા મૂલ્યો વિરુદ્ધ જઈ પરિપત્ર કે જાહેરનામુ બહાર પાડી શકે નહીં કે વિધાનસભાએ ઘડેલા કાયદા ની ઉપરવટ જઇને પણ પરિપત્ર બહાર પાડી શકે નહીં

ત્યારે ગુજરાત સરકાર ના સ્ટેમ્પ ડ્યૂટીના સુપ્રિટેન્ડન્ટને 13 જુલાઇ ૨૦૨૧ ના રોજ બહાર પાડેલ પરિપત્ર કે જેમાં એવી જોગવાઈ છે કે ૧૯૮૨થી ૨૦૦૧ના ગાળા દરમિયાન વેચાયેલા કે તબદીલ કરાયેલા મકાનો પર સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનું જે જાહેર કરાયું છે તે દેશના બંધારણની કલમ ૨૦(૧) સાથે સુસંગત નથી

કારણ કે બંધારણની કલમ ૨૦(૧) માં જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટે ગુન્હા નું તહોમત મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો ભંગ કર્યા સિવાય કોઈ ગુના માટે દોષિત ઠેરાવી શકાશે નહીં! તો ગુજરાત સરકારના અધિકારી એ ૧૯૮૨થી સ્ટેમ્પ ડ્યૂટી વસુલવાનો પરિપત્ર કઈ રીતે બહાર પાડી શકે?

૪ એપ્રિલ ૧૯૯૪ માં ગુજરાત સરકારે કરેલા સુધારા મુજબ સરકારને માત્ર છ વર્ષના પૂર્વગાળા સુધીમાં થયેલ સોદા પર સ્ટેમ્પ ડ્યૂટી વસુલવાની સત્તા આપેલી ત્યારે તાજેતરનો ગુજરાત સરકાર ના નામે જારી કરાયેલો પરિપત્ર એ ગેરબંધારણીય અને બિનઅમલ ને પાત્ર છે!

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સરકારની પ્રતિષ્ઠા ખરડાય એવું કરતા અધિકારીઓ સામે ત્વરિત પગલાં લઇ કથિત પરિપત્ર પાછો ખેંચી લેવો જોઈએ કારણકે અદાલતમાં કથિત પરિપત્ર ટકી શકે એવો નથી એવું કહેવાય છે! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

જર્મનીના વૈજ્ઞાનિક રોબર્ટ બર્ન્સે સરસ કહ્યું છે કે “‘‘કામ કરતા રહેવું એ બેશક અને સારો બદલો આપનાર બાબત છે પરંતુ માત્ર સંપત્તિ એકઠી કરવા માટે જ કામ કરતા રહેવું એ બેહૂદી બાબત છે’’!! જ્યારે અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહેલું છે કે ‘‘અપરાધી ભાગી છૂટે એના કરતાં વધુ ખતરનાક તો એ છે કે યોગ્ય કાયદાના ઘડતર વિના તેને સજા કરવી’’!!

ઘણીવાર સરકારના અધિકારીઓએ દેશના બંધારણ નો અભ્યાસ કર્યા વગર દેશની સરકારો એ રચેલા કાયદાનું વિદ્વતાપૂર્ણ અર્થઘટન કર્યા વગર જાહેરનામાઓ બહાર પાડે છે અને કથિત પરિપત્રો બહાર પાડે છે તેની પાછળનો હેતુ લોકોને ડરાવવા નો હોય છે? કે પછી ભ્રષ્ટાચારના દરવાજા ખોલવા નો હોય છે?

કે પછી પોતે સર્વસત્તાધીશ છે એવો દેખાવ કરવાનો હોય છે? કે પછી સરકારને ખુશ કરીને વધુ લાભ મેળવવાનું હોય છે? તાજેતરમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી અંગે પરિપત્ર બહાર પાડ્યો છે એ બિન બંધારણીય અને અયોગ્ય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.