ગુજરાત સરકારમાં મહેસૂલની પાછલી બાકી રકમ વધીને ૫૪૨૨૨.૬૧ કરોડ રૂપિયા થઇ છે

ગાંધીનગર,ગુજરાત સરકારમાં મહેસૂલની પાછલી બાકી રકમ વધીને ૫૪૨૨૨.૬૧ કરોડ રૂપિયા થઇ ચૂકી છે જે અગાઉના વર્ષે ૪૩૦૦૦ કરોડ રૂપિયા હતી. અત્યાર સુધીની બાકી રકમ પૈકી ૨૩૬૮૪.૧૪ કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષોથી બાકી છે છતાં તેની વસૂલાત કરી શકાતી નથી. બાકી રકમમાં વેલ્યુ એડેડ ટેક્સ, વેચાણવેરો અને વીજળી પર વેરા અને જકાતનો સમાવેશ થાય છે.
રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે વેટ અને વેચાણવેરા પેટે બાકી ૫૪૦૬૨ કરોડ રૂપિયા પૈકી ૧૭૬૧૯.૪૦ કરોડ રૂપિયા એવી જગ્યાએ ફસાયા છે કે જેમાં અદાલતી પ્રક્રિયા અને મનાઇહુકમ છે. ૩૧૦૬.૭૮ કરોડ રૂપિયા એવા વેપારીઓ અને સંસ્થાઓના બાકી છે કે જેમણે નાદારી નોંધાવી છે જ્યારે અન્ય તબક્કામાં ૩૩૧૮૪.૪૨ કરોડ રૂપિયા બાકી છે. વીજળી પર વેરા અને જકાતની બાકી ૧૬૦.૬૧ કરોડ રૂપિયા પૈકી ૮૭.૨૮ કરોડ રૂપિયા અદાલતના મનાઇહુકમના કારણે વસૂલી શકાતા નથી.
બાકીના ૨૭.૮૮ કરોડ રૂપિયા માટે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તરફથી માહિતી આપવામાં દાખવેલી બેદરકારી છે.ગુજરાત સરકારના નાણાકીય આયોજનમાં બાકી વેરાની વસૂલાત એટલી મુશ્કેલી ઉભી કરે છે કે સરકાર લાચાર બની જાય છે. રાજ્યમાં પાંચ વર્ષ કે તેથી વધુ બાકી રકમનો આંકડો ૨૪૦૦૦ કરોડ જેટલો થયો છે.
છેલ્લા એક વર્ષમાં વસૂલાતની રકમમાં ૧૧૦૦૦ કરોડ જેટલો વિક્રમી વધારો થયો છે. બાકી રકમનો ટેક્સ વસૂલવા માટે સરકારે કોઇ સમયમર્યાદા રાખી નહીં હોવાથી સરકારને જાહેરદેવાં પર આધાર રાખવો પડે છે.
એક બાજુ રાજય સરકાર દર વર્ષે મોટી રકમનુ જાહેર દેવું કરીને નાણાકીય રકમ મેળવે છે અને છેલ્લા દસ વર્ષથી પણ વધારે સમયગાળામાં વેરાની રકમ મળવાપાત્ર હોવા છતાં કોર્ટ કેસોના કારણે વેરાપાત્ર મહેસૂલી આવકો મેળવી શકાઇ નથી. આ તમામ વસુલ કરવાપાત્ર વેરાઓ રકમ વસુલ કરવામાં આવે તો રાજયની આંતરિક દેવાની રકમમાં ઘટાડો થઇ શકે છે.hs2kp