ગુજરાત સરકાર-ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલીટી લિમીટેડ અને ફોર્ડ ઇન્ડીયા પ્રાયવેટ લિમીટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજુતિ કરાર

ગાંધીનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડીયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર સંપન્ન થયા હતા. ગુજરાત સરકારે ૨૦૧૧માં ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે કરેલા સ્ટેટ સપોર્ટ એગ્રીમેન્ટના અનુસંધાને તથા ટાટા મોટર્સની પેટાકંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ વચ્ચે થયેલી સમજૂતીના સંદર્ભમાં આ ત્રિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
તદઅનુસાર, ટાટા મોટર્સ લિમિટેડ ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સાણંદ પ્લાન્ટ બધી જ જમીન, બિલ્ડિંગ અને વ્હીકલ એસેમ્બલી, પ્લાન્ટની મશીનરી સાથે હસ્તગત કરશે. એટલું જ નહીં, ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટાટા મોટર્સમાં સમાવી લેવાશે.
ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ. સાણંદ ખાતેના પ્લાન્ટમાં એન્જિન ઉત્પાદન યથાવત ચાલુ રાખશે અને આ હેતુસર ટાટા મોટર્સ તેમને લીઝ પર જમીન ઉપલબ્ધ કરાવશે. ગુજરાત સરકાર નિયમાનુસારની જરૂરી પરવાનગીઓ માટે મદદરૂપ બનશે. આ ઉપરાંત પાણી, વીજળી, એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી કોમન ફેસિલિટીઝ પણ ટાટા મોટર્સ અને ફોર્ડ ઈન્ડિયા વાપરી શકે તે માટે સહયોગ આપશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ અભિગમ અને ત્વરિત નિર્ણાયક્તાને પરિણામે આ સમગ્ર વિષયે માત્ર ૯૦ દિવસના ટૂંકા ગાળામાં રાજ્ય સરકારના પોઝીટીવ એપ્રોચથી આ એમ.ઓ.યુ સાકાર થયા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ. સાણંદ ખાતેના ફોર્ડ પ્લાન્ટની તમામ જમીન, બિલ્ડીંગ, ફોર્ડ વ્હીકલ મેન્યુફેકચરિંગ ફેસિલિટીના પ્લાન્ટ, મશીનરી અને તેના તમામ કર્મચારીઓને સ્વીકારશે. આ સૂચિત હસ્તાંતરણથી મોટા પ્રમાણમાં બેરોજગારી સર્જાવાનો પ્રશ્ન પણ અટકાવી શકાશે.
ગુજરાતમાં ઈલેક્ટ્રીક વાહનોના ઉત્પાદનની શરૂઆત થશે અને પર્યાવરણ પ્રિય ગ્રીન મોબીલીટીની પહેલમાં ગુજરાત અગ્રેસર રહેશે. ફોર્ડ મોટર્સ જેવી વિદેશી કંપનીના ટાટા જેવી ભારતીય કંપની દ્વારા સૂચિત હસ્તાંતરણથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આર્ત્મનિભર ભારતનો ધ્યેય પાર પાડવાનું એક વધુ કદમ ગુજરાત ભરશે.
ફોર્ડ મોટર્સના પ્લાન્ટમાં ૩૦૪૩ સીધી રોજગારી અને અંદાજે ૨૦ હજાર જેટલી આડકતરી રોજગારી આપવામાં આવે છે. આ પ્લાન્ટ બંધ થવાના કારણે અંદાજે ૨૫ હજાર જેટલા લોકો રોજગારી ગુમાવે તે રાજય સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો.HS3KP