ગુજરાત સહિત ૧૧ રાજ્યોમાં ગંભીર ચિંતાજનક સ્થિતિ
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને પંજાબ દેશના બે એવા રાજ્યો છે જ્યાં છેલ્લા પખવાડિયાથી કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ દૈનિક કેસ સામે આવી રહ્યા છે. અધિકૃત દસ્તાવેજાેથી આ જાણકારી મળી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે કેબિનેટ સચિવની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજાેમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને રાજ્યો એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે
જ્યાં દૈનિક કેસોની તેમની જૂની ચરમ સંખ્યાથી પણ વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ, છત્તીસગઢ અને ગુજરાત પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં ૨૩ માર્ચ સુધી અંતિમ સાત દિવસમાં દૈનિક કેસની વૃદ્ધિનો દર ૩.૬ ટકા અને પંજાબમાં ૩.૨ ટકા નોંધાયો. મહારાષ્ટ્રમાં ૩૧ માર્ચ પહેલાના બે સપ્તાહમાં ૪,૨૬,૧૦૮ કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં પંજાબમાં ૩૫,૭૫૪ કેસ નોંધાયા છે. જ્યારે આ બે સપ્તાહમાં ૩૧ માર્ચ સુધીમાં દેશમાં સંક્રમણના કારણે માર્યા ગયેલા લોકોમાંથી ૬૦ ટકા દર્દીઓના મોત મહારાષ્ટ્ર અને પંજાબમાં જ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ૧૧ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંડીગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણા સંક્રમણના નવા કેસ અને ઉચા મૃત્યુદરના કારણે ગંભીર ચિંતાજનક સ્થિતિવાળા રાજ્યોમાં સામેલ છે. આ રાજ્યોમાંથી ૧૪ દિવસોમાં ૩૧ માર્ચ સુધીમાં કોવિડ ૧૯ના ૯૦ ટકા કેસ સામે આવ્યા છે. જ્યારે ૯૦.૫ ટકા લોકોના મોત થયા છે.
આ રાજ્યોને ખાસ કરીને તપાસ વધારવા અને સંક્રમણનો દર પાંચ ટકા કે તેનાથી નીચો સુનિશ્ચિત કરવાનું કહેવાયું છે. રાજ્યોને ૭૦ ટકા તપાસ આરટીપીસીઆર માધ્યથી કરવાનું તથા તપાસના પરિણામ જલદી આપવાની સલાહ અપાઈ છે. આ બાજુ દર્દીઓના મોત રોકવા માટે રાજ્યોને જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓને વધુ મજબૂત કરવાની સલાહ અપાઈ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ રસીકરણ પાત્ર લોકોને ૧૦૦ ટકા રસીકરણ સુનિશ્ચિત કરે અને રસીના પૂરતા ડોઝ રાખવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સમન્વય જાળવી રાખે.