ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ આફ્રિકન પેંગ્વિનના જન્મની ઉજવણી કરાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર રહ્યાં ઉપસ્થિત
સાયન્સ સિટીના મુલાકાતીઓ હવે એક્વેટિક ગેલેરીમાં આ ત્રણ આફ્રિકન બાળ પેંગ્વિનને પણ નિહાળી શકશે
ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સાયન્સ સિટી ખાતે ત્રણ આફ્રિકન પેંગ્વિનનું સફળ સંવર્ધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગનાં અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ખાસ દિવસે ત્રણ આફ્રિકન નવજાત પેંગ્વિનનું નામકરણ પણ કરવામાં આવ્યું અને તેમના નામ બાલુ, ડેઇઝી અને કીઆરા જાહેર કરવામાં આવ્યાં હતાં.
આફ્રિકન પેંગ્વિન નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારાઓનું વતની છે. હાલમાં આ પેંગ્વિન IUCN દ્વારા લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ છે. યોગ્ય જગ્યા, માછીમારી અને આબોહવા પરિવર્તનને કારણે આ પેંગ્વિનની સંખ્યામાં 97%થી વધુનો ઘટાડો થયો છે. હાલમાં દરિયાકિનારે 19,800થી ઓછા પેંગ્વિન બચ્યાં છે, સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીઓમાં બચ્ચાંઓનો જન્મ આ પ્રજાતિના સંરક્ષણ પ્રત્યેની જાગૃતતા સૂચવે છે.
આ પ્રસંગે અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે જણાવ્યું હતું કે, સાયન્સ સિટીમાં પેંગ્વિનનાં ત્રણ બચ્ચાંઓનો જન્મ એ ગૌરવની વાત છે. આ આપણા પર્યાવરણ જાગૃતિ અને પ્રાણી કલ્યાણ તરફી પ્રતિબદ્ધતાનું પરિણામ છે. બાલુ, ડેઇઝી અને કીઆરાને મળવા આપ સૌને સાયન્સ સિટી આમંત્રિત કરીએ છીએ, તેઓ જળ જીવનના સાચા દૂત છે.
હાલમાં સાયન્સ સિટીના એક્વેટિક ગેલેરી ખાતે પેંગ્વિન ગેલેરીમાં આ ત્રણ નવા પેંગ્વિનને રાખવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ નાનકડા પેંગ્વિન બચ્ચાંઓને નજીકથી નિહાળી શકે.