ગુજરાત સુપર લીગનો રોડમેપ તૈયાર, આગામી વર્ષે રમાઈ શકે છે ટેબલ ટેનિસ લીગ
ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને (જીએસટીટીએ) હવે પોતાની બહુચર્ચિત ગુજરાત સુપર લીગ (જીએસએલ)ની શરૂઆત કરાવવા માટે તૈયારી કરી લીધી છે. આ લીગ આગામી વર્ષે જાન્યુઆરીના અંતિમ સપ્તાહ કે પછી ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂ થઈ શકે છે અને તેની ઈનામી રકમ 15 લાખ રૂપિયા છે. છ દિવસ ચાલનારી આ લીગની મેચો અમદાવાદ કે સુરતમાં રમાઈ શકે છે.
આ લીગમાં રાજ્યના છ શહેરોની ટીમો કે ફ્રેન્ચાીજી હશે. આ છમાંથી ચાર ફ્રેન્ચાઈઝીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક ટીમમાં ચાર ખેલાડી, બે કોચ અને એક મેનેજર હશે. ટીમમાં ચાર ખેલાડી રાખવાની મંજૂરી છે તેથી ટીમમાં બે પુરૂષ અને બે મહિલા ખેલાડી રહેશે. આ ઉપરાંત ફ્રેન્ચાઈઝીને ટીમમાં બે રાષ્ટ્રીય સ્તરના ખેલાડી રાખવાની મંજૂરી પણ આપવામાં આવી છે જેમાં એક પુરૂષ અને એક મહિલા ખેલાડી હશે જે કોઈ પણ રાજ્યનો હોઈ શકે છે. જ્યારે બે ખેલાડી ગુજરાતના હશે.
આ ખેલાડીઓની પસંદગી હરાજી દ્વારા કરવામાં આવશે અને આ હરાજી આગામી મહિને યોજાઈ શકે છે. પ્રત્યેક કેટગરીમાં 10-12 ખેલાડીઓનો પૂલ હશે જેમાં ગુજરાત મેલ, ગુજરાત ફિમેલ, નેશનલ મેલ અને નેશનલ ફિમેલ કેટેગરી હશે. પ્રત્યેક ફ્રેન્ચાઈઝી પાસે પોતાની પસંદગીના ખેલાડી ખરીદવાની તક રહેશે.
ગુજરાતના સ્ટાર ખેલાડી હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને માનુશ શાહ નિયમિત રીતે દેશ માટે રમતા રહે છે પરંતુ આ ખેલાડીઓ ગુજરાતના જ ખેલાડીઓ ગણાશે તેમને નેશનલ ખેલાડીઓના પૂલમાં રાખવામાં આવશે નહીં. 2020માં ઓલિમ્પિક ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ શરૂ થવાની છે અને ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું શિડ્યુલ શું રહેશે તેના આધારે લીગની અંતિમ તારીખો જાહેર કરવામાં આવશે.