ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને દંડ ફટકારાયો
મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી બીજે નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ચેતવણી-છ મહિનામાં 241 સામે કાર્યવાહીઃ અનેક દવા ઉત્પાદક કંપનીઓના ફાર્મા કર્મચારીઓ પર તવાઈ
અમદાવાદઃ મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આવી ગેરકાયદે ડ્યુઅલ જોબ કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ્દ કરવા સહિત અનેક કડક પગલાં લેવામાં આવશે. તાજેતરમાં કાઉન્સિલની બેઠકમાં વધુ 103 ફાર્માસીસ્ટોને સસ્પેન્ડ કરીને તેઓને દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનામાં 241 ફાર્માસીસ્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અનેક દવા ઉત્પાદક કંપનીઓના ફાર્મા કર્મચારીઓ પર તવાઈ આવી છે.
કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે મેડિકલ સ્ટોર એ કંઈ સામાન્ય વ્યવસાય જ નથી, બલકે ઉમદા કામગીરી છે, જેમાં દર્દીને યોગ્ય માર્ગદર્શન અને સલાહસૂચનો આપીને તેનો જીવ બચાવવાની પ્રક્રિયામાં સહભાગી બની શકાય છે.
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,1948ના પીપીઆર-15 અંતર્ગત ફાર્માસીસ્ટોના કાઉન્સેલિંગ પછી જ દવાઓનું વેચાણ કરી શકાય. કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં 103 ફાર્માસિસ્ટોના રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફાર્માસિસ્ટો સ્ટોરને પોતાનું લાયસન્સ ભાડે આપી દેતા હતા અને પોતે બીજી કંપનીમાં નોકરી કરતા હતા, જે નિયમ વિરુદ્ધ છે.
હજી વધારે ફાર્માસિસ્ટોની સુનાવણી ચાલુ છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને હરગીઝ સાંખી લેવામાં નહિ આવે. જરૂર પડ્યે આવા કેસોની વિશેષ સુનાવણી હાથ ધરવામાં આવશે. આવા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ચેતવણી આપવામાં આવી છે.
જનતાના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા અને ફાર્મસી વ્યવસાયની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડતા ફાર્માસીસ્ટોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે. કાઉન્સિલે છેલ્લા છ મહિનામાં આવા 241 ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન રદ કર્યા છે અને દંડ ફટકાર્યો છે. આટલા મોટા પાયે કાર્યવાહી થઇ હોય એવું ભારતમાં પ્રથમવાર અને કાઉન્સિલના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.