ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન સામે આવેલા ખુલ્લા મેદાનમાં ચાલી રહ્યો હતો જુગારનો અડ્ડો
14 લોકો જૂગાર રમતાં રંગેહાથ ઝડપાયા ઘાટલોડિયા-ચાંદખેડામાં
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલા જુગારના અડ્ડાઓ પર પોલીસ તવાઈ બોલાવી રહી છે. પોલીસની રેડ દરમિયાન જુગારીયા ભાગવામાં સફળ રહે તે માટે હવે તેમણે જાહેરમાં જુગાર રમવાનું શરૂ કરી દીધું છે.
પોલીસ હાલ જે કેસ જુગારના કરી રહી છે તેમાં મોટાભાગે જાહેરમાં રમતા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ચાંદખેડા પોલીસ તેમજ ઘાટલોડિયા પોલીસે જાહેરમાં જુગાર રમાતા જુગારધામને રંગે હાથ ઝડપી લીધા છે. જુગારના શોખીનો કોઈપણ જગ્યાએ બેસીને જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસ તેમને ઝડપી રહી છે.
ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન સામે આવેલા ખુલ્લા મેદાનમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો હોવાની બાતમી ચાંદખેડા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ૧૦જુગારીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારીયા પાસેથી ૩પ હજાર રોકડા અને બે વાહનો જપ્ત કર્યા છે. પોલીસની ટીમે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે એકશન પ્લાન ઘડી નાંખ્યો હતો
અને અલગ અલગ વાહનોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન પાસે પહોંચી ગયા હતા જ્યાં વૃંદાવન શોપિંગ સેન્ટરની દુકાનની પાસે સંતાઈ ગયા હતા. ખુલ્લી જગ્યાહોવાના કારણે કોઈ રેડ દરમિયાન કોઈ ફરાર ના થઈ જાય તે માટે તેઓ એકસાથે દોડીને જુગારના સ્થળ પર પહોંચી ગયા હતા. જગ્યા પર પહોંચતાની સાથે જ પોલીસે તમામને કોર્ડન ભરી લીધા હતા.
ચાંદખેડા પોલીસે હરપાલસિંહ ઝાલા, રવિકુમાર વૈષ્ણવ, હિરેન ગોહિલ, સંદીપ જૈન, સુહાગ પરમાર, વિશાલ રાજન, મહેશ સોલંકી, કમલેશ રાઠોડ, રવિ સોલંકી અને સુરેશ નાઈની ધરપકડ કરી છે. તમામ જુગારીયા પાસેથી પોલીસે ૩પ હજારની રોકડ જપ્ત કરી છે. ચાંદખેડા પોલીસે દસેય જુગારીયા વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસે જાહેરમાં રમાતા જુગારનો પર્દાફાશ કર્યો છે.
ઘાટલોડિયા પોલીસને બાતમી મળી હતી કે અમર એપાર્ટમેન્ટ પાસે આવેલા જાહેર રસ્તા પર કેટલાક લોકો જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. પોલીસ બાતમીવાળી જગ્યા પર પહોંચી ગઈ હતી. મયૂર ઠાકોર, ગુલાબ કેદાર અને વિપુલ મારવાડીની ધરપકડ કરી હતી. ત્રણેય જણા જાહેરમાં જુગાર રમી રહ્યા હતા જેમની પાસેથી પોલીસે ૪૯૯૦ રૂપિયા જપ્ત કર્યા છે. ઘાટલોડિયા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.