ગુજરાત FSLની ટીમ લાલકિલ્લા પહોંચી તપાસ કરી
નવી દિલ્હી, દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ કિસાનોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા મામલે તપાસ ચાલી રહી છે. ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં આઈટીઓ પર પ્રદર્શનકારી કિસાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જ્યારે આંદોલનકારીઓનો એક સમૂહ પરિસરમાં દાખલ થયો અને પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો.
તેમાં ૮૦ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેની તપાસ માટે રવિવારે ગુજરાતથી ફોરેન્સિક ટીમના સભ્યો પહોંચ્યા છે. તપાસ માટે ૬ સભ્યોની ફોરેન્સિક ટીમ દિલ્હીમાં હાજર છે. ટીમમાં એક મહિલા સભ્ય પણ છે. ટીમે પહેલા આઈટીઓ હિંસા વાળા સ્થળનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ટીમ લાલ કિલ્લા પહોંચી તપાસ કરી હતી.
આ પહેલા શનિવારે ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમે લાલ કિલ્લા પહોંચીને નમૂના એકત્રિત કર્યા હતા. ટીમે બ્લડ સેમ્પલ, ફિંગર પ્રિન્ટ વગેરે પૂરાવા ભેગા કર્યા હતા. હવે ગુજરાત એફએસએલની ટીમ પહોંચી છે.
હકીકતમાં ગણતંત્ર દિવસના દિવસે દિલ્હીના અલગ-અલગ વિસ્તારમાં કિસાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા તો તોડફોડ કરવામાં આવી હતી. સૌથી મોટી બબાલ લાલ કિલ્લા પર ફરકાવવામાં આવેલા ઝંડા અને તોડફોડને લઈને થયો હતો.