ગુણોત્સવ કર્યા પછી મૂલ્યાંકનનું પરિણામ નિયમિત જાહેર ન કરતાં તર્કવિતર્ક
સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તાની ચકાસણી કરવા માટે વર્ષ ૨૦૧૦થી ગુણોત્સવ કરવામાં આવતો હોય છે
રાજ્યની સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા વચ્ચે ગુણોત્સવ ૨.૦ મૂલ્યાંકન કરાશે
અમદાવાદ,રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં આગામી દિવસોમાં ગુણોત્સવ ૨.૦ અંતર્ગત મૂલ્યાંકન માટેની ગાઇડલાઇન અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યની જુદી જુદી સ્કૂલોમાં ૩૮ હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ સ્થિતિમાં ગુણવત્તા અને ગુણોત્સવ કેવી રીતે થશે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તાની ચકાસણી કરવા માટે વર્ષ ૨૦૧૦થી ગુણોત્સવ કરવામાં આવતો હોય છે. ગુણોત્સવ કર્યા પછી તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવે છે. આ પરિણામમાં મૂલ્યાંકનના આધારે જુદી જુદી સ્કૂલોને એ પ્લસ, એ, બી સહિતના જુદા જુદા ગ્રેડ આપવામાં આવતાં હતા.
હવે ગુણોત્સવ ૨.૦ લાગુ કરવામાં આવ્યો છે. નવી પદ્ધતિ પ્રમાણે દર વર્ષે સ્કૂલોનું નિયમિત મૂલ્યાંકન થઇ શકે તે માટે ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં પરીક્ષાના આધારે ઇન્સ્પેક્ટરની નિમણૂક થતી હતી. જોકે, સ્કૂલમાં ઇન્સ્પેક્ટરની જગ્યામાં અન્ય કોઇ શિક્ષકની નિયુક્તિ ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પહોંચતી હતી. આ ઉપરાંત કેટલાક ઇન્સ્પેક્ટર પણ મૂલ્યાંકનની પદ્ધતિમાં રીતસરની વેઠ ઉતારતાં હોવાની ફરિયાદો પણ બહાર આવી હતી. જેના કારણે ગત વર્ષે સ્કૂલ ઇન્સ્પેક્ટરોને પોતાની મૂળ શાળાઓમાં પરત મોકલી આપવામાં આવ્યા હતા. ચાલુ વર્ષથી દરેક સ્કૂલોને સ્વમૂલ્યાંકનની સૂચના આપવામાં આવી છે.
સ્કૂલો દ્વારા સ્વમૂલ્યાંકન કર્યા પછી તે પરિણામ બહાર આવે તેમાં રેડન્મ ક્રોસ વેરિફિકેશન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની અને અસરકારક બાબત એ છે કે, મોટાભાગની સ્કૂલોમાં પુરતી સંખ્યામાં શિક્ષકો જ ઉપલબ્ધ નથી. જે શિક્ષકો છે તેઓને kyc સહિતના જુદી જુદી કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ કેવી રીતે મળશે તેવા પ્રશ્નો પણ શિક્ષણજગતમાં ઉભા થયા છે. આમ, જૂની પદ્ધતિ બંધ કરીને હવે નવી પદ્ધતિ પ્રમાણે આગામી દિવસોમાં શાળામાં ગુણવત્તાની ચકાસણીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જોકે, ગુણોત્સવ મૂલ્યાંકન કર્યા પછી પણ પણ તેનું પરિણામ નિયમિત રીતે જાહેર કરવામાં ન આવતું હોવાથી તેનો કોઇ અર્થ રહેતો ન હોવાની ચર્ચા પણ શરૂ થઇ છે.ss1