ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો જ ન હોય તેમ પોલીસ ચોકી પાસે જ મોબાઈલની ચીલઝડપ
(એજન્સી) અમદાવાદ, કહેવાય છે કે જ્યાં પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી આવેલી હોય છે તેની આસપાસ રહેતા લોકોને ચોરી, લૂંટ કે પછી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થવાનો એટલો બધો રહેતો નથી. જેટલો ભય પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશનથી દૂર રહેતા લોકોને સતાવતો હોય છે.
પરંતુ આ વાતને ઉંધી સાબિત કરતી એક ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈકાલે બનવા પામી હતી.જમાલપુર ફૂલ બજાર પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીને અડીને ઉભેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન તેના જ હાથમાંથી ઝુંટવીને ત્રણ ઈસમો ભાગી ગયા હતા. મોટરસાયકલ ઉપર આવેલા ત્રણેય શખ્સોએ ટ્રાફિક પોલીસ ચોકીનો કોઈપણ જાતનો ખોફ રાખ્યા વિના પોલીસની ઐસીકી તૈસી ગણીને મુકેશભાઈ નામની વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લઈને ઘટના સ્થળેથી રફુચકકર થઈ ગયા હતા.
એક તરફ ફૂલ બજારમાં લોકોની ભારે ભીડ ભેગી થતી હોય છે. અને બીજી તરફ ટ્રાફિક પોલીસ ચોકીમાં હાજર ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો રાત દિવસ હાજર હોય છે. તેમ છતાં લૂંટારૂઓએ ના તો ભીડની કોઈ પરવા કરી કે ન તો ટ્રાફિક પોલીસનો કોઈ ખોફ રાખ્યા વિના બિંદાસ્ત રીતે મોબાઈલ ઝુંટવીને ઘટનાને અંજામ આપ્યો હતો.