ગુનેગારોને રાજકારણમાં આવતા અને ચૂંટણી લડતા રોકવા ન્યાયતંત્ર કંઇ કરી શકતું નથી
નવીદિલ્હી: સુપ્રીમકોર્ટે રાજકારણમાં ગુનેગારો મામલે મંગળવારે ચિંતા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે ગુનેગારોને રાજકારણમાં આવતા અને ચૂંટણી લડતા રોકવા ન્યાયતંત્ર કંઇ કરી શકતું નથી. જસ્ટિસ આર. એફ. નરિમન અને જસ્ટિસ બી. આર. ગવઇની બેન્ચે ચૂંટણીપંચ તથા રાજકીય પક્ષો વિરુદ્ધ દાખલ કોર્ટના અનાદરની અરજી મામલે સુનાવણી કરી રહી હતી. આરોપ છે કે પંચે તથા પક્ષોએ સુપ્રીમકોર્ટના ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.ગત વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ ઉલ્લંઘન કરાયું. સુપ્રીમકોર્ટના આદેશમાં જણાવાયું હતું કે રાજકીય પક્ષો તેમની વેબસાઇટ પર ઉમેદવારો સામેના પડતર ગુનાઇત કેસોની વિગતો ફરજિયાત ધોરણે અપલોડ કરે પરંતુ ઘણા પક્ષોએ આ આદેશનું પાલન નથી કર્યું. ચૂંટણીપંચે પણ કાર્યવાહી ન કરી.
કોંગ્રેસ, એનસીપી, બસપા અને સીપીએમે તેમના કલંકિત ઉમેદવારો સંદર્ભે કોર્ટની બિનશરતી માફી માગી. આ પક્ષો કલંકિત ઉમેદવારો મુદ્દે કોર્ટમાં વિસ્તૃત એફિડેવિટ દાખલ કરવામાં અને તેમનો ગુનાઇત ઇતિહાસ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા.
એડીઆરના રિપોર્ટ મુજબ, ભાજપના ૩૦૧ સાંસદનું વિશ્લેષણ કરાયું. તેમાંથી ૧૧૬ (૩૯%) સાંસદે એફિડેવિટમાં પોતાની સામે ગુનાઇત કેસ થયેલા હોવાની માહિતી આપી. કોંગ્રેસના ૫૧માંથી ૨૯ (અંદાજે ૫૭%), ડીએમકેના ૨૩માંથી ૧૦ (અંદાજે ૪૩%), તૃણમૂલ કોંગ્રેસના ૨૨માંથી ૯ (૪૧%) અને જેડીયુના ૧૬માંથી ૧૩ (૮૧%) સાંસદે પોતાની સામે ગુનાઇત કેસ થયેલા હોવાનું એફિડેવિટમાં જણાવ્યું હતું.
એસો. ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચે ગત લોકસભા ચૂંટણીમાં જીતેલા ૫૩૯ ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું છે.
તેમાંથી ૨૩૩ એટલે કે ૪૩% સાંસદોએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની સામે ગુનાઇત કેસ થયેલા છે. આ ૨૦૧૪ની લોકસભાની સરખામણીમાં ૯% વધુ છે. ત્યારે ૫૪૨ સાંસદમાંથી ૧૮૫ એટલે કે ૩૪%એ તેમની સામે ગુનાઇત કેસ થયેલા હોવાનું કહ્યું હતું.
સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશો મુજબ કલંકિત લોકપ્રતિનિધિઓના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં નિયમિત ધોરણે ચાલવા જાેઇએ પણ રાજ્યોમાં ફાસ્ટટ્રેક કોર્ટનો અભાવ છે. રાજ્ય સરકારો કહેતી રહે છે કે ભંડોળની અછતના કારણે ફાસ્ટટ્રેક કોર્ટની રચના નથી થઇ શકતી. એવામાં નીચલી અદાલતોમાં કલંકિત લોકપ્રતિનિધિઓના કેસની સુનાવણી પર ભાર મૂકવાનો વિકલ્પ છે. જાેકે, સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશ નીચલી અદાલતોને બંધનકર્તા નથી.