ગુમાનદેવ મંદિરના મહંતને માર મારવાની ઘટનામાં મહંતે ટોળા વિરુદ્ધ ૫.૮૦ લાખની લૂંટની ફરિયાદ
ગુમાનદેવ મંદિરના મહંતને ગેબી માર વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ મંદિરના ગેટ સામે ત્રણ મહિલાઓને અકસ્માતમાં મોત થતા સ્થાનિક ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.ત્યાર બાદ વિફરેલા ટોળાએ મંદિરના ગેટ પર ના સીસીટીવી ચાલતા નથી તેમ કહી ગુમાનદેવ મંદિરમાં તોડફોડ કરી ૫.૮૦ લાખની મત્તાની ધાડ લુટ કરી હોવાની અને મંદિરના મહંતને જાહેર રોડ પર લાવી માર મારવાની ઘટનામાં મહંત મનમોહનદાસે ઝઘડિયા પોલીસ મથકમાં ૮ ઈસમો વિરુદ્ધ નામજોગ તથા ૫૦ થી વધુના ટોળા સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટોળાએ માર મારતા મહંત હાલમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગતરોજ વહેલી સવારે ગુમાનદેવ મંદિરની સામે એસટી બસની રાહ જોઈ ઉભેલા ત્રણ મહિલા અને એક પુરુષને અજાણ્યા હાઈવા ચાલકે અડફેટે લઈ ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.ત્યાર બાદ અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજયા હતા અને એક ઈસમ ગંભીર રીતે ઘવાયો હતો.જેથી સ્થાનિકો વિફર્યા હતા અને ટોળાએ સરદાર પ્રતિમા રોડ પર ગુમાનદેવ ખાતે ચક્કાજામ કર્યો હતો.સવારે છ વાગ્યાથી લઈ બપોરના ૧ વાગ્યા સુધી સરદાર પ્રતિમા રોડ પર ચક્કાજામ યથાવત રહેવા પામ્યો હતો.આ દરમ્યાન વિફરેલા ટોળાએ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસને નિશાન બનાવવાના આશય સાથે મંદિરમાં ઘૂસી ગયા હતા અને મંદિરના દરવાજો તોડફોડ કરી મહંત સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો,
મહંત મોહનદાસને ગેબી માર તથા સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ ટોળા દ્વારા મંદિરના મહંતને ટીંગાટોળી કરી જાહેર રોડ પર લાવી ગમેતેમ ગાળો બોલી માર માર્યો હતો.મંદિરના મહંત મોહનદાસને ગેબી માર તથા સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે ગુમાનદેવ મંદિર ના મહંત મનમોહન દાસજી મહારાજ ગુરુ શ્રી રામ લખન દાસજી મહારાજ ઉંમર વર્ષ ૪૦ એ ઝઘડિયા પોલીસ મથકમાં આઠ ઈસમો વિરુદ્ધ નામજોગ અને ૫૦ થી વધુના ટોળા સામે ધાડ લૂંટની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગુમાનદેવ મંદિરના મહંત તેમજ મેનેજિંગ ટ્રસ્ટી છે.ગતરોજ તેઓ મંદિર પર હાજર હતા દરમિયાન કેટલાક લોકોનુ ટોળુ ગુનાહિત કાવતરું રચી મારક હથીયારો લાકડી, દંડા સાથે ગુમાનદેવ મંદિરના બંધ દરવાજો તોડી મંદિરમાં ઘૂસી ગયા હતા. અને મહંતને કહેવા લાગેલા કે તું લાઈટ કેમ બંધ કરે છે અને સીસીટીવી કેમેરા કેમ લગાડેલ નથી ? મંદિરમાં કેમ બેસવા દેતા નથી? તું મંદિર ટ્રસ્ટ અમને સોંપી દે તેમ કહી અને મહંતને મંદીર માંથી ઉંચકી બહાર લાવી માથામાં લાકડીના દંડા માર્યા હતા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.
મહંતને મારી નાખવાની કોશિશ કરી હતી તથા મહંતે ગળામાં પહેરેલ સોનાની બે તોલાની ચેન રૂપિયા ૧ લાખ, મંદિરમાં રૂમ માંથી રોકડા રૂપિયા ૪ લાખ ૫૦ હજાર, હનુમાનજીની મૂર્તિ ને પહેરવા માટેની ચાંદીની ૫૦૦ ગ્રામની પ્લેટ રૂપિયા ૩૦ હજાર મળી કુલ રૂપિયા ૫ લાખ ૮૦ હજારના મત્તાની લૂંટ કરી હતી.મહંતને ગમે તેમ ગાળો બોલી હતી અને મંદિરનો ટ્રસ્ટ અમને સોંપી દો તેમ કહયુ હતુ.આ બાબતે મહંતને ફરિયાદ નહીં કરવાના લખાણ વાળા કાગળ પર સહી કરી આપો
તેમ જણાવ્યુ હતુ જેથી મહંતે સહી કરવાની ના પાડી હતી.ઉશ્કેરાયેલાઓએ મહંતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસે (૧) અરુણ ઠાકોરભાઈ પટેલ રહે. ગુમાનદેવ (૨) યોગેશ કેશવભાઈ પટેલ (૩) મિલન રમેશભાઈ પટેલ (૪) જીતુ ઠાકોરભાઈ પટેલ (૫) ઈશ્વર ભગવાનભાઇ પટેલ (૬) કલ્પેશ નારણભાઈ પટેલ (૭) હિતેશ નારણભાઈ પટેલ (૮) દિપક ભીખાભાઇ પટેલ તમામ રહે.ઉચેડીયા તા. ઝઘડિયા જી.ભરૂચ વિરુદ્ધ તથા બીજા ૫૦ થી ૬૦ પુરુષ માણસોનું ટોળું જે મંદિરમાં ઘૂસી ગયેલ હતું તેમની વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહંત પર હુમલા સમયે પોલીસની ગેરહાજરી :
સરદાર પ્રતિમા રોડ પર ગુમાનદેવ પાસે અકસ્માત બાદ જ્યારે વિફરેલા ટોળાએ તાત્કાલિક સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરી હતી અને ત્યાર બાદ મામલો વધુ વકર્યો હતો જેથી ઉશ્કેરાયેલું ટોળું મંદિર પરિસરમાં ઘૂસી ગયું હતું અને મંદિરમાં તોડફોડ કરી મહંતને મંદિરમાંથી બહાર ઊંચકી લાવી ગેટ સુધી આવ્યા હતા ત્યારે આટલી ગંભીર ઘટના સમયે પણ પોલીસની ગેરહાજરી જોવા મળી હતી. ફક્ત બે જ પોલીસ કોન્સ્ટેબલો ૨૦૦ થી વધુ લોકોના ટોળાંએ કાબૂમાં લેવા સ્થળ પર હતા.જો સમયસૂચકતા વાપરી પોલીસ કાફલો અહીં તૈનાત કરાયો હોત તો મહંત સાથે ઉશ્કેરાયેલા ટોળાએ કરેલ શરમજનક ઘટના બની ન હોત. મહંત સાથે થયેલી મારપીટ દરમ્યાન ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર ખુદ સ્થળ પર હાજર ન હતા અને તેમનો રેગ્યુલર મોબાઇલ સ્વીચ ઓફ હતો.
એક માસ અગાઉ ભરૂચના સાંસદે મંહતની સુરક્ષા બાબતે જીલ્લા કલેકટરને પત્ર લખ્યો હતો :
ગતરોજ ગુમાનદેવ મંદિરના મહંત મોહનદાસ સાથે અકસ્માત બાબતે ઉશ્કેરાયેલા ટોળાએ ગેરવર્તણૂક કરી હતી તેના સંદર્ભમાં એક માસ અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જીલ્લા કલેકટરને ગુમાનદેવના મહંતની સુરક્ષા બાબતે એક પત્ર લખ્યો હતો.પરંતુ જીલ્લા કલેક્ટરે પણ આ બાબતે સમયસર કોઈ પગલાં નહીં ભરતાં ગતરોજ મહંત મનમોહનદાસ સાથે જઘન્ય ઘટના બનવા પામી છે જેની સથાનિકો નિંદા કરી રહ્યા છે.
ગુમાનદેવ ખાતે લશ્કરી સૈનિકોની સુરક્ષા મળવી જોઈએ – ગંગાદાસ બાપુ રામકુંડ અંકલેશ્વર :
ગુમાનદેવ મંદિરના મનમોહનદાસ પર થયેલ જીવલેણ હુમલામાં દક્ષિણ ગુજરાત સાધુ સંત સમાજ વતી અંકલેશ્વર રામકુંડ તીર્થના ગંગાદાસ બાપુએ મહંત પરના હુમલાને વખોડી કાઢયું હતું અને હુમલાની નિંદા કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુમાનદેવ મંદિર ખાતે લશ્કરી સૈનિકો સુરક્ષામાં તૈનાત રહે અને મહંત પર હુમલામાં સંડોવાયેલા તમામ ને કડકમાં કડક સજા થાય તેવી સરકાર પાસે માંગણી હતી.