ગુલબાઈ ટેકરા અને જમાલપુર શાકમાર્કેટને “આદર્શ-વિસ્તાર” તરીકે ડેવલપ કરવા ચેલેન્જ
મ્યુનિ. કમીશ્નરે ઝોનના અધિકારીઓને આ બંને રોડને દબાણ-કચરા મુકત કરવા આહ્વાન કર્યું |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ ને ખરા અર્થમાં “સ્માર્ટ સીટી” બનાવવા માટે કમીશ્નરે બીડુ ઝડપ્યું હોય તેમ લાગે છે.ચોમાસા દરમ્યાન વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે તમામ ઝોનમાં રૂબરૂ મુલાકાત લઈ પ્રિ-મોન્સુન એકશન પ્લાનની કામગીરીની તપાસ કરી રહયા છે. સાથે-સાથે “આદર્શ રોડ” બનાવવા માટે પણ પ્રયાસ કરી રહયા છે. મ્યુનિ. કમીશ્નરે મધ્યઝોન અને પશ્ચિમઝોનના અધિકારીઓને “આદર્શ રોડ” માટે ચેલેન્જ આપી છે.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ કમીશ્નર વિજય નહેરા છેલ્લા એક વર્ષથી માત્ર “સ્વચ્છતા” માટે દોડી રહયા હતા. જેના પરીણામે અનેક વિભાગો તરફ ધ્યાન આપી શકયા ન હતા. સ્વચ્છતા સર્વેક્ષણમાં યેનકેન પ્રકારે સારા ક્રમાંક મળ્યા બાદ કમીશ્નર નિશ્ચિતથઈ ગયા હતા. તથા ચોમાસાની તકલીફો તરફ ધ્યાન આપ્યું ન હતું. જેના વરસાદના એકાદ-બે ઝાપટામાં જ તેના માઠા પરિણામ જાવા મળ્યા હતા.
શહેર જળબંબાકાર થયા બાદ કમીશ્નર સફાળા જાગ્યા છે. તથા પ્રિ-મોન્સુન એકશન પ્લાનની કામગીરી જાવા દોડી રહયા છે. તેવી જ રીતે સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ નંબર મળ્યા બાદ સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ પણ નિદ્રાધીન થઈ ગયા હતા. જયારે એસ્ટેટ વિભાગતો કાયમી ધોરણે બેદરકારી દાખવી રહયો છે. મ્યુનિ. કમીશ્નરે આ તમામ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓને દોડતા કર્યા છે. તેમજ શહેરના જમાલપુર એ.પી. એમ.સી. માર્કેટ અને ગુલબાઈ ટેકરા રોડને “આદર્શ રોડ” બનાવવા માટે અધિકારીઓને ચેલેન્જ આપી છે.
મ્યુનિ.કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ ગુલબાઈ ટેકરા રોડ ને દબાણમુકત કરવા માટે પશ્ચિમઝોન એસ્ટેટ ખાતાને જાગૃત કર્યું છે. સાથે-સાથે કચરામુકત કરવા માટે પણ સોલીડ વેસ્ટ અધિકારીઓને તાકીદ કરી છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ગોહેલ ટાવર પાંજરાપોળ થઈ ટેલી,એક્ષચેન્જ, સી.જી.રોડ, લાલ બંગલા તથા ટેલીફોન એક્ષચેન્જ થી પાસપોર્ટ ઓફીસ સુધીના રોડને દબાણ અને કચરા મુકત કરવા અધિકારીઓને આહ્વાન કર્યું છે. તેવી જ રીતે જમાલપુર શાકમાર્કેટ વિસ્તારને પણ દબાણ-કચરા મુકત કરી “આદર્શ વિસ્તાર” તરીકે ડેવલપ કરવા માટે મધ્યઝોન એસ્ટેટઠ અને સોલીડ વેસ્ટ વિભાગને ચેલેન્જ આપી છે. કમીશ્નર માની રહયા છે કે આ બંને વિસ્તાર દબાણ અને કચરા મુકત થાય તો સમગ્ર શહેર દબાણ-કચરા મુકત થઈ શકશે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.