ગુલબાઈ ટેકરા વિસ્તારમાં પ્રદુષિત પાણી મળતા મહિલાઓએ માટલાં ફોડ્યા
અમદાવાદ 01062019: એક તરફ આકાશમાંથી અગ્નિવર્ષા તપી રહેલા નગરજનો તથા બીજી તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઉભી થયેલ દૂષિત પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે દૂષિત પાણી પીવાથી અનેક પાણીજન્ય રોગો વધી શકે છે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ગટર લાઈનમાં ભંગાણ પડવાને કારણે શુધ્ધ પાણી સાથે ગટરનું પાણી મિક્ષ થઈ જાય છે ગટર લાઈનો રીપેર કરવાનું કામ ચાલુ હોવાનો પણ દાવો કરી રહ્યા છે.
દરમ્યાનમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં ઉપરાંત હોલીવુડ તરીકે જાણીતા વિસ્તારમાં સવારથી જ પાણીની પાઈપલાઈનમાંથી ગંદુ ગંધ મારતુ પાણી આવતાં જ તે વિસ્તારના નગરજનો ભારે તકલીફમાં મુકાયા છે લોકોનો આક્રોશ વધી રહ્યો છે તથા મ્યુ. કોર્પોરેશનની નિષ્કિયતા તથા બેદરકારી સામે રોષ ઠાલવી રહ્યા છે. આ વિસ્તારમાં ઘણા સમયથી પ્રદૂષિત પાણી આવતુ હોવાની અનેક ફરીયાદો કરવા છતા પણ મ્યુ. સત્તાવાળાઓ કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યા નથી.
આ વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રીત થઈ માટલા ફોડી વિરોધ દર્શાવી રહયા છે તથા હાથમાં ગંદા પાણીની બોટલો તથા માટલા લઈ સરઘસ આકારે મોરચો પણ કાઢયો હતો મોટી સંખ્યામાં લોકોનો રોષ જાતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વગર મંજુરી વગર સરઘસાકારે મોરચો કાઢી રહેલ મહિલાઓની અટકાયત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે.