ગુલાબનો યોગ્ય ભાવ ન મળતાં ખેડુતોએ પશુઓને ખવડાવ્યા
વડોદરા, પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં ગમાણ (ઢોરને રાખવાની જગ્યા) ગુલાબની સુગંધથી મઘમઘી શકે છે. કારણ આજકાલ પશુઓને કાશ્મીરી ગુલાબ ખવડાવવામાં આવી રહ્યા છે. ના, એવું નથી કે પશુપાલકો રોઝ-ફ્લેવરના દૂધનો ઉપયોગ કરી રહ્યા છે, અથવા તેમના પશુધનને લાડ લડાવી રહ્યા છે, પરંતુ ગુલાબની ખેતીમાં જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે એળે ન જાય તે માટેની તેઓ ખાતરી કરી રહ્યા છે.
પશુઓને ગુલાબ ખવડાવવા ઉપરાંત, મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ ફૂલોનું દાન કરવામાં આવે છે તેમજ જેમને જાેઈતા હોય તેમને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલમાં જ, કેટલાક ખેડૂતોએ તેમની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે કેનાલમાં નર્મદાના પાણીમાં ગુલાબ ફેંકી દીધા હતા.
મુકેશ પટેલ નામના ખેડૂતે જણાવ્યું હતું કે, તેમને એક દિવસમાં ૧૦૦ કિલો ફૂલ ફેંકી દેવા અથવા મફતમાં વહેંચવાની ફરજ પડી હતી. ‘અમને વડોદરામાં કિલો ગુલાબના ૧૦ રૂપિયા મળે છે. અમે શક્ય એટલા ગુલાબ વેચીએ છીએ અને બાકીના ગુલાબને પશુઓને ખવડાવીએ છીએ અથવા ફ્રીમાં આપીએ છીએ’, તેમ તેમણે કહ્યું હતું.
દેલોલ પાસે આવેલા રામનાત, કંડાચ અને સગનપુરા ગામમાં મોટાપાયે ગુલાબની ખેતી થાય છે. સૌથી વધારે જથ્થો વડોદરા અને ગોધરામાં વેચાય છે. ખેડૂતો વહેલી સવારે ફૂલોને તોડીને બજારમાં લઈ જાય છે. દેલોલના સરપંચ નીરવ પટેલ, કે જેઓ પણ ફૂલોની ખેતીમાં સંકળાયેલા છે, તેમણે કહ્યું હતું કે, રોજ આશરે બે હજાર કિલો ગુલાબનું ઉત્પાદન થાય છે.
હાલમાં લગભગ ૮૦૦ કિલો પાકનું વેચાણ થાય છે અને બાકીના પાકનો નિકાલ કરવામાં આવે છે’, તેમ પટેલે કહ્યું હતું. નવરાત્રી દરમિયાન એક કિલો ગુલાબનો કિલોનો ભાવ ૫૦૦ રૂપિયા હતો જે ઘટીને હવે ૧૦થી ૧૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. નિરવે ઉમેર્યું હતું કે, જાે આવનારા દિવસોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહેશે તો ખેડૂતોએ ગુલાબની ખેતી છોડી દેવી પડશે. અન્ય એક કૌશલ પટેલ નામના ખેડૂતે કહ્યું હતું કે, ફૂલોની ખેતી કરનારાઓ માટે ભાવ સમસ્યાનો એક ભાગ છે.
‘એપીએમસી માર્કેટમાં પણ અમારા માટે જગ્યા નથી. વડોદરામાં ફૂલ બજાર અસંગઠિત છે, જે વહેલી સવારે ખૂલે છે. દલાલો ફૂલો વેચવા માટે ૧૦ ટકા લે છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુલાબ સિવાય, ગલગોટાના ભાવ પણ તળીયે છે, તેમ ગુલગોટાની ખેતી કરતા ખેડૂતે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, તે પણ ફ્રીમાં વહેંચવામાં આવે છે, જાે કે, હજી સુધી તેને ઘાસચારામાં ફેરવાયા નથી.SSS