ગૂગલના સીઈઓ કોરોનાનો જંગ લડવા ૧૩૫ કરોડ રૂપિયા આપશે
નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે સ્થિતિ ઘણી જ ગંભીર છે. આ દરમિયાન અમેરિકન ટેક કંપની ગૂગલે ભારતને કોરોના સામેની લડાઈ લડવા ૧૩૫ કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે. ગૂગલે જણાવ્યું કે, આ ફંડ ‘ગિવ ઈન્ડિયા’ અને યુનિસેફને આપવામા આવશે જે ભારતમાં મેડિકલ સપ્લાઈ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાએ આ અંગે ટિ્વટ કર્યું હતું કે, ભારતમાં કોરોના સંકટ સતત ગંભીર બની રહ્યું છે. એવામાં ગૂગલ તથા અહીં કામ કરતા કર્મચારીઓ મળીને ગિવ ઈન્ડિયા તથા યુનિસેફને ભારતમાં કોરોનાની લડાઈ લડવા માટે ૧૩૫ કરોડ રૂપિયાનું ફંડ મોકલશે. આ ફંડમાં એડ ગ્રાન્ટ્સ પણ સામેલ છે. એડ ગ્રાન્ટ્સ ગૂગલનો એક કાર્યક્રમ છે જે હેઠળ એનજીઓ ગૂગલ પર નિઃશુલ્ક જાહેરાત આપી શકે છે.
યુનિસેફ ગૂગલના ફંડનો ઉપયોગ મેડિકલ સપ્લાઈ, ઓક્સિજન અને ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સ પાછળ ખર્ચ કરશે. જ્યારે ગિવ ઈન્ડિયા ગૂગલના ફંડથી કોરોના પીડિતા પરિવારોને રોકડ સહાય આપશે. ગૂગલ દ્વારા આપવામા આવનાર ૧૩૫ કરોડ ફંડમાંથી ૩.૫ કરોડ રૂપિયા ગૂગલમાં કામ કરતા ૯૦૦ કર્મચારીઓ દ્વારા ડોનેટ કરવામા આવ્યા છે.