ગૂગલ પર બેંકનો કસ્ટમર કેર નંબર સર્ચ ન કરશો, આવું થઈ શકે છે તમારી સાથે
કોરોનાકાળમાં ભારતમાં સાઈબર ફ્રોડ સાથે જાેડાયેલા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં પણ લોકો સાઈબર ક્રાઈમના શિકાર બન્યા અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. સાઈબર ઢગ લોકોને ઠગવા માટે નવા નવા પેંતરા અજમાવે છે.
તેમાંથી અત્યારે સ્કેમર્સ સાઈબર ક્રાઈમને અંજામ આપવા વેબસાઈટ બનાવીને તેના પર ખોટા કસ્ટમર કેર નંબર નાંખી દે છે. વળી તેઓ વેબસાઈટ્સને ગૂગલના સર્ચ એન્જિન પર ઓપ્ટિમાઈઝ કરીને ઉપરની તરફ રેન્ક કરાવે છે. તેથી ઘણીવાર જ્યારે ગ્રાહકો બેંકના કસ્ટમર કેર નંબરને ગૂગલ પર સર્ચ કરે ત્યારે ઠગોએ મૂકેલા નંબરો દેખાય છે.
આ પ્રકારના ફ્રોડને લઈને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંકોએ ગ્રાહકોને ચેતવણી પણ આપી દીધી છે. સર્ચમાં જે નંબર બતાવે તેને ડાયલ કર્યા પછી બેંક ગ્રાહકો સાથે ફ્રોડ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે અને કમાયેલી મૂડીથી હાથ ધોવાનો વારો આવી શકે છે.
બેંક ક્યારેય ઓટીપી, એટીએમ કાર્ડ, નેટ બેકિંગ કે યૂઝરનું નામ અને પાસવર્ડ સાથે જાેડાયેલી જાણકારી માંગતી નથી. તેથી કોઈ તમારી પાસે બેંક સાથે જાેડાયેલી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગે તો સાવધાન થઈ જવાની જરર છે. તમારી આ બધી જાણકારી ક્યારેય ન આપવી જાેઈએ.