ગૂગલ-રિલાયન્સ જિયો વચ્ચે ભાગીદારી, ગૂગલ 33,373 કરોડ ઠાલવશે, ભારતને 2G મુક્ત બનાવવાનું લક્ષ્ય
મુંબઈ, વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી જાયન્ટ કંપની ગૂગલ ભારતની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના પ્લેટફોર્મમાં 7.7 ટકા હિસ્સો રૂ. 33,373 કરોડમાં ખરીદશે. ગૂગલ-રિલાયન્સ જિયો વચ્ચેની આ ભાગીદારીની જાહેરાત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની વાર્ષિક સાધારણ સભામાં કરી હતી. ગૂગલના રોકાણ સાથે એપ્રિલથી અત્યાર સુધીમાં રિલાયન્સ જિયો પ્લેટફોર્મ દ્વારા કુલ એકત્ર રોકાણનો આંકડો 1.52 લાખ કરોડે પહોંચ્યો છે.
સૌપ્રથમ ફેસબુક ઈન્ક. દ્વારા જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સો રૂ.43.573.62 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈન્ટેલ કોર્પ, ક્વોલકોમ ઈન્ક સહિત અગ્રણી ટેક્નોલોજી કંપનીઓ રિલાયન્સ જિયોમાં હિસ્સો ખરીદ્યો હતો. વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ આરઆઈએલની વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરતા જણાવ્યું કે, ‘જિયો પ્લેટફોર્મમાં ગૂગલને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે આવકારતા અમને આનંદ થાય છે. અમે ભાગીદારી તેમજ રોકાણ કરાર કર્યા છે જે અંતર્ગત ગૂગલ જિયો પ્લેટફોર્મના 7.7 ટકા હિસ્સા માટે રૂ. 33,373 કરોડનું રોકાણ કરશે. ગૂગલની ભાગીદારી સાથે જ રિલાયન્સ જિયો પ્લેટફોર્મે તેમના મૂડી એકત્રીકરણનો લક્ષ્યાંક પણ હાંસલ કરી લીધો છે.’
નોંધનીય છે કે ગૂગલ સાથેના સોદાને ધ્યાનમાં લેતા જિયો પ્લેટફોર્મે તેના 32.84 ટકા હિસ્સો આપીને કુલ રૂ. 1,52,055.45 કરોડ એકત્ર કર્યા છે. ગૂગલનું રોકાણ આ યાદીમાં 13મું છે અને તેની સાથે જ જિયો પ્લેટફોર્મનું મૂલ્ય વધીને રૂ.4.36 લાખ કરોડ થઈ ગયું છે. ગત સપ્તાહે જિયો પ્લેટફોર્મમાં ક્વોલકોમ દ્વારા રોકાણ કરાયું હતું અને આ કંપનીનું મૂલ્ય રૂ.4.91 લાખ કરોડ છે.
અગાઉ 31 માર્ચ 2020ના રિલાયન્સના માથે 1,61,035 કરોડનું નેટ દેવું હતું જો કે આ રોકાણ મળવાથી અને રાઈટ ઈશ્યૂના નાણાંને ધ્યાનમાં લેતા કંપની ઋણમુક્ત બની ગઈ છે. જિયો પ્લેટફોર્મમાં ફેસબુક, એલ કેટરટોન, પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સિલ્વર લેક અને જનરલ એટલાન્ટિક દ્વારા કુલ રૂ. 73,636.43 કરોડ એકત્ર કરાયા હતા. રિલાયન્સ દ્વારા વિતેલા ત્રણ મહિનામાં કુલ એકત્રિત રકમ રૂ. 2,12,809 કરોડ થઈ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ 2021 પહેલા ઋણ મુક્ત થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો અને હવે કંપનીએ તેને એક વર્ષ પહેલા જ હાંસલ કરી લીધો છે તેમ મુકેશ અંબાણીએ વાર્ષિક સાધારણ સભામાં જણઆવ્યું હતું. ગૂગલની ભાગીદારીની મદદથી ભારતને 2જી મુક્ત બનાવવામાં આવશે તેમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત 5જી સેવાને ઘરઆંગણે વિકસાવીને તેને પીએમના આત્મનિર્ભર ભારત અભિયાનનો ભાગ બનાવી વિશ્વના અન્ય દેશોમાં 5જીની નિકાસ કરવામાં ભારત અગ્રણી બનશે. રિલાયન્સ જૂથના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ‘ગૂગલે લાખો ભારતીયોને માહિતી મેળવવાના ક્ષેત્રે સશક્ત બનાવ્યા છે અને જિયો બદલાવ તેમજ નવું કરવાની દિશામાં એક જુસ્સો પૂરો પાડશે.’
ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ આ ભાગીદારી અંગે જણાવ્યું કે, ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મ ભારતની ડિજિટલ કાયાપલટ માટે એક સારો સોદ મેળવવા હકદાર છે. ભારતમાં જે ઝડપથી ડિજિટલ બદલાવ થઈ રહ્યો છે તેનાથી અમે પ્રેરાયા છીએ અને ભારત માટે સૌપ્રથમ કોઈ સારી પ્રોડક્ટ વિકસાવવાથી અમને વિશ્વના તમામ દેશોના વપરાશકર્તાઓ માટે સારા ઉત્પાદનો વિકસાવામાં મદદ મળશે.’