ગૃહમંત્રીએ નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો : રાહુલ ગાંધી

નવીદિલ્હી: સરહદ વિવાદને લઈને આસામ અને મિઝોરમ વચ્ચે થયેલી હિંસક ઝઘડાની ઘટનાને લઈને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે આ ઘટનાને અમિત શાહની નિષ્ફળતા ગણાવી હતી અને કહ્યું છે કે, તેમના કારણે જ નાગરિકોમાં નફરત અને અવિશ્વાસ ઉભા થઈ રહ્યા છે. આ સાથે તેમણે આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે અને ઈજાગ્રસ્તોની ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી છે.
આસામ અને મિઝોરમ વચ્ચેનાં સરહદ વિવાદમાં સોમવારે આસામનાં છ પોલીસ જવાન શહીદ થયા છે. હિંસામાં અનેક પોલીસ જવાન ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળ્યા છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે બંને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેઓને વિવાદ જલ્દીથી નિવારવા કહ્યું હતું. આ સાથે જ આ મામલે રાજકારણ પણ જાેર પકડ્યું છે.
કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહની આ નિષ્ફળતા ગણાવીને તેમના પર મોટો હુમલો કર્યો છે.
આસામ-મિઝોરમ વિવાદ પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આ ઘટનામાં માર્યા ગયેલા લોકોનાં પરિવાર પ્રત્યે હું દુઃખ વ્યક્ત કરું છું. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ ફરી એકવાર લોકોનાં જીવનમાં નફરત અને અવિશ્વાસ વાવીને દેશને નિષ્ફળ બનાવ્યો છે. ભારતને હવે ભયંકર પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, સોમવારે આસામનાં કછાર જિલ્લાની સરહદ પર અચાનક હિંસા ફાટી નીકળી હતી. આ પહેલા મિઝોરમનાં મુખ્યમંત્રી ઝોરમથંગાએ વડા પ્રધાન કાર્યાલય અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં પોલીસ અને નાગરિકો વચ્ચે ટક્કર જાેવા મળી રહી હતી. મુખ્યમંત્રીએ આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દખલ માંગી હતી. આ પછી, આસામનાં મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ પણ મિઝોરમનાં મુખ્યમંત્રીને ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, કોલાસિબ (મિઝોરમ) એસપી અમને અમારી પોસ્ટ પરથી પાછા જવા કહે છે. જાેકે, સાંજે ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને તેઓને વહેલી તકે વિવાદ હલ કરવા જણાવ્યું હતું.