ગૃહમંત્રી અમિત શાહ અડધી રાત્રે આસામ પહોંચી ગયા
ગૌહાટી: ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસ પર અડધી રાત્રે ગૌહાટી પહોંચી ગયા છે. ગૃહમંત્રી અમિત શાહના સ્વાગત માટે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ જાતે એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાહ બે દિવસ સુધી એટલે કે ૨૬ અને ૨૭ ડિસેમ્બરના રોજ ગૌહાટી અને ઇમ્ફાલમાં રહેશે.
તેઓ આસામના સ્થાનિક સમૂહો સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત એક મેડિકલ કૉલેજનો શિલાન્યાસ પણ કરશે. ૨૭મી ડિસેમ્બરના રોજ અમિત શાહ ઇમ્ફાલ પોલીસ હેડક્વાર્ટરના નિર્માણ કાર્યક્રમમાં ભાગ લેશે. ગૃહમંત્રી આસામના ૮,૦૦૦ નામધર વૈષ્ણવ સંતોને નાણાકીય સહાયનું પણ વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે આસામમાં આવતા વર્ષે ચૂંટણી આવી રહી છે.
ગૃહમંત્રી અડધી રાત્રે ગૌહાટી પહોંચ્યા હોવા છતાં રાજ્ય સરકારે તેમના ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરી હતી. એરપોર્ટથી નીકળતી વખતે શાહનું સ્વાગત લોક કલાકારોએ કર્યું હતું. ગૌહાટીના લોકપ્રીય ગોપીનાથ બારદોલાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું.
કલાકારોએ અમિત શાહની આ મુલાકાતને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાના આસામના નાણા મંત્રી હેમંત વિશ્વ શર્મા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હેમંત વિશ્વ શર્મા પૂર્વોત્તરમાં એનડીએના સંયોજક પણ છે.
હેમંત વિશ્વ શર્માએ જણાવ્યું કે અમિત શાહ પોતાના પ્રવાસના પ્રથમ દિવસે મહાપુરુષ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના વિકાસ કાર્યક્રમની શરૂઆત કરાવશે. આ સાથે જ ગૃહમંત્રી ગૌહાટી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કરશે.
આગામી થોડા મહિનામાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ આસામમાં એનડીએના ક્ષેત્રિય દળો સાથે પણ મુલાકાત કરશે. ગૃહમંત્રી આસામ ગણ પરિષદ, યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરેશન અને ગણશક્તિના નેતાઓ સાથે મુલાકાત કરશે. ભારતના ઉત્તર પૂર્વ રાજ્યોની મુલાકાતે નીકળેલા શાહ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે મુલાકાત કરવાના હતા. જાેકે, કોરોના પોઝિટિવ હોવાને કારણે સીએમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. આ જ કારણે અમિત શાહના પ્રવાસની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.