Western Times News

Gujarati News

ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદમાં લોકડાઉનનાચુસ્ત અમલનું જાતનિરિક્ષણ કર્યુ

  • પોલીસકર્મી તથા આરોગ્યકર્મીની સેવાને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાય
  • લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે જ પોલીસ તંત્ર કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવી રહ્યું છે
  • પોલીસની ભલમનસાઈ-સંયમને કોઈ હળવાશથી ન લે….

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે કોના સંક્રમણ વધ્યું છે ત્યારે લોકડાઉનનોનો અમલ થાય અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા વધે તે માટે કાર્યરત પોલીસ કર્મીઓ તથા આરોગ્ય કર્મીઓની સેવા ને અવરોધતા પરિબળોને કોઈપણ રીતે સાંખી નહીં લેવાય. સામાન્ય રીતે પોલીસ સંયમ અને સંવેદનાથી ફરજ બજાવે છે પરંતુ કેટલાક લોકોના અસહકાર ભર્યા વલણના પગલે ક્યાંક કામગીરીમાં અવરોધ ઊભો થાય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે પોલીસ તંત્ર કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવીરહ્યું છે.પોલીસની ભલમનસાઈ-સયમને કોઈ હળવાશ્થી ન લે એમ તેમણે ઉમેર્યું હતું

શ્રી જાડેજાએ જણાવ્યુ કે,માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકડાઉનનો જે આદેશ આપવામાં આવ્યો છે તે અંતર્ગત અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ પોલીસ વ્યવસ્થા-પોલીસ બંદોબસ્તની આજે આ સમીક્ષા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં કહ્યું કે, નાગરિકોનો અત્યાર સુધી લોકડાઉનમાં ખૂબ સહકાર મળ્યો છે પરંતુ લોકો એ વાત યાદ રાખવી જોઈએ કે આલોકડાઉન લોકોના સ્વાસ્થ્ય-હિતને ધ્યાનમાં લઇને આપવામાં આવેલું છે.પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે અને અમુક બેજવાબદાર લોકોના કારણે સમગ્ર સમાજને નુકશાન ન જાય તે માટે પોલીસ દ્વારા લોકડાઊનનો કડક અમલ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

શ્રી જાડેજાએ કહ્યું કે,કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવુ એ આપણો પ્રથમ ધ્યેય છે.આ માટે પોલીસને જો કડકાઈ કરવી પડે તો કરશે. ગૂનાઓ પણ દાખલ કરાશે પરંતુ કોઇપણ સંજોગોમાં મહાસંકટ ને હરાવવા માટે પોલીસ ખડેપગે રહેશે.

પોલીસ જવાનોને આપવામાં આવતી સવલતોનો ઉલ્લીખ કરતાં તેઓએ જણાવ્યું કે, તમામ પોલીસ પોઈન્ટ ઉપર જે પોલીસ જવાનો ફરજ બજાવે છે તેમને તેમની સુરક્ષા માટે માસ્ક, હાથમોજા, સેનીટાઇઝરવગેરે આપવામાં આવેલા છે અને જરૂર પડ્યે વધું આપવામાં આવશે આ માટે કોઇ જ નાણાકીય અડચણ છે નહી.શક્ય તેટલી વધુ પોલીસને લોકડાઉન અમલવારીના કામ માટે ફાળવવામાં આવેલી છે.

શ્રી જાડેજાએ કહ્યું કે,સમગ્ર રાજ્યમાં જે સી.સી.ટી.વી. નેટવર્ક છે તેના દ્વારા પોલીસ નજર રાખી રહી છે.ડ્રોનની મદદથી પણ સમગ્ર રાજ્યમાં આ બાબતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.જે લોકો અંદરના ભાગે ગલીના ભાગે ભેગા થાય છે તેને પણ ઓળખી કાઢવામાં આવે છે અને આમ એક સમગ્રતયા સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી છે.માનનીય કેન્દ્ર ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા આપણને પેરા મિલેટ્રીની પાંચ કંપની પણ આપવામાં આવી છે. જેનો ઉપયોગ ક્લસ્ટર ક્વોરન્ટીન ક્ષેત્રમાં કરવામા આવ્યો છે. તેમ તેમેણે ઉમેર્યું હતું.

તેઓએ કહ્યું કે, નગરજનો સુખ-સુવિધાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. કોરોના મહામારીનું જે આ સંકટ છે તેને આપણે સૌ સાથે મળીને જ હરાવી શકીશું આ માટે સોશિયલ ડિસ્ટંન્સીંગ પણ આવશ્યક છે.માટે આ લોકડાઉનમાં લોકોના સહકાર વગર સફળતા નહીં મળે.માટે લોકોને ફરીથી અપીલ છે કે લોકડાઉનમાં પૂરતો સહકાર આપે.

ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ શહેરમાં લોકડાઉનના ચુસ્ત અમલનું  જાતનિરિક્ષણ કરી માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ શહેર પોલીસ કમિશનરની કચેરી, દિલ્હી દરવાજા, જોર્ડન રોડ, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, દાણીલીમડા વિસ્તાર અને જુહાપુરા વિસ્તારની મુલાકાત લીધી હતી. બાદમાં મંત્રીશ્રીએ કમિશનર કચેરી પરત ફરી શહેરમાં પોલીસની સમગ્રતયા કામગીરીનું પ્રઝન્ટેશન નિહાળી વિસ્તૃત જાણકારી મેળવી હતી.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસાનું સંક્રમણ વધે નહીં તે માટે શહેરના કોટ વિસ્તારને બફર-ઝોન જાહેર કરાયો છે ત્યારે આ વિસ્તારમાં ચોવીસ કલાક સતત ખડેપગે   ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ શહેરના અનેક વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પોલીસકર્મીઓને સેનેટાઈઝર, માસ્ક ઉપરાંત ભોજન તથા રહેઠાણ સુવિધાની પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

આ સાથે કોટ વિસ્તારમાં એન્ટ્રી-પોઇન્ટ પર ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે મહાનગરપાલિકાને ખાસ સૂચના આપી હતી.આ પ્રસંગે રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટીયા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.