ગૃહ મંત્રાલયનુ જાહેરનામુ: દેશનો કોઈ પણ વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં જમીન લઈ શકશે
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે અને રહી પણ શકશે.ગૃહ મંત્રાલયે આ માટેનુ જાહેરનામુ આજે બહાર પાડી દીધુ છે.જોકે ખેતી માટેની જમીન લેવા પરની રોક હાલમાં યથાવત રાખવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના કહેવા પ્રમાણે બહારના ઉદ્યોગો જમ્મુ કાશ્મીરમાં આવે તે માટે જમીનમાં ઈન્વેસ્ટમેન્ટની જરુર છે.જોકે ખેતીની જમીન માત્ર રાજ્યના લોકો માટે જ રહેશે.આ પહેલા જમ્મુ કાશ્મીરના રહેવાસીઓ જ રહેવા લાયક અથવા તો ઉદ્યોગો માટે જમીનની લે વેચ કરી શકતા હતા.જોકે હવે બહારના રાજ્યના લોકો પણ અહીંયા જમીન લઈને ઉદ્યોગ કે વ્યવસાય શરુ કરી શકશે.
હવે કોઈ પણ ભારતીય જમ્મુ કાશ્મીરમાં ઈન્ડસ્ટ્રી શરુ કરી શકશે, ઘર કે દુકાન માટે જમીન લઈ શકશે.આ માટે સ્થાનિક રહેવાસી હોવાનો પૂરાવો નહીં આપવો પડે.ગયા વર્ષે જ સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દુર કરી છે.એ પછી ઓક્ટોબર 2019થી જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.હવે જમીનના કાયદામાં બદલાવનુ જાહેરનામુ પણ બહાર પાડી દેવાયુ છે.