ગૃહ મંત્રાલય-દિલ્હી સરકારની મંજૂરી: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ ઉપર UAPA અંતર્ગત કેસ ચાલશે
નવી દિલ્હી, દિલ્હી હિંસા અંગે ગૃહ મંત્રાલય અને દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમર ખાલીદ અને શરજીલ ઇમામ પર UAPA અંતર્ગત કેસ ચલાવવાની મંજૂરી આપી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલિસે હિંસાના મામલે UAPA એક્ટ અંતર્ગત ઉમર ખાલિદની ધરપકડ કરી છે. કાયદા પ્રમાણે UAPA એક્ટ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ પર કેસ ચલાવતા પહેલા ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી જરુરી છે. હવે મળતી માહિતિ પ્રમાણે લગભગ એક અઠવાડિયા પહેલા મંત્રાલયે આ અંગે મંજૂરી આપી છે.
ત્યારે હવે બહુ જલ્દી દિલ્હી પોલિસ શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસા સાથે જોડાયેલા કેસમાં પોલિસે 14 સપ્ટેમ્બરના રોજ ઉમર ખાલિદની ધરપકડ કરી છે. કોર્ટે ઉમર ખાલિદની કસ્ટડી કોર્ટે 20 નવેમ્બર સુધી વધારી છે. તો દિલ્હી પોલિસે ઉમર ખાલિદની કસ્ટડી 30 દિવસ વધારવા માટે અરજી કરી છે.
ઉમર ખાલિદે આ અરજીનો વિરોધ કરતા કહ્યું કે પોલિસની તપાસમાં તેણે તમામ પ્રકારનો સહયોગ કર્યો છે. તેવામાં ઉમર ખાલિદ તપાસમાં સહયોગ નથી કરતો તેવા આરોપ સાથે કસ્ટડી વધારવાની દિલ્હી પોલિસની અરજી ખોટી છે. તો બીજી તરફ દિલ્હી પોલિસે કોર્ટમાં કહ્યું કે આ કેસની તપાસ શરુ છે, ત્યારે ઉમર ખાલિદને જમાનત ના આપી શકાય. ત્યારબાદ કોર્ટે ઉમર ખાલિદની કસ્ટડીમાં વધારો કર્યો છે.