ગેંગરેપ કેસમાં ફરાર ચોથો આરોપી પણ ઝડપાઈ ગયો
જામનગર: જામનગરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે ચોથા આરોપીને પણ ઝડપી પાડ્યો છે. ગેંગરેપના ત્રણ આરોપીની ગઇકાલે ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, આજે ફરાર થયેલા ચોથા આરોપી મોહિત આંબલીયાને એલસીબીની ટીમે જામખંભાળિયાના ખજૂરિયા ગામેથી ઝડપી પાડ્યો હતો. આ ચારેય શખસોએ સગીરાને ઊંઘની દવા પીવડાવીને દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જામનગર શહેરમાં હાથરસની ભયાનક ઘટનાના મામલે દેશવ્યાપી પ્રકોપ વચ્ચે ૨૮ સપ્ટેમ્બરના રોજ એક સગીરા પર તેના બોયફ્રેન્ડ સહિત ચાર શખસોએ ગેંગરેપ કર્યો હતો. યુવતીને પેટમાં તીવ્ર પીડા થવાની શરૂઆત બાદ ૨ ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવી હતી. ખોડિયાર કોલોની મેઇન રોડ પર યાદવનગર વિસ્તારમાં રહેતા મોહિત આંબલીયાના ઘરે દુષ્કર્મ આછરવામાં આવ્યું હતું.
પરિવારની ફરિયાદના આધારે પોલીસે રવિવારે બુધા ઉર્ફે દર્શન ભાટિયા, મિલન ભાટિયા (૨૧) અને દેવકરણ ગઢવી (૨૦)ને ઝડપી લીધા હતા. જોકે, આજે મોહિત આંબલીયાની ધરપકડ કરવામાં આવી છે. જામનગર મહિલા પોલીસ સ્ટેશન નિરીક્ષક આર બી ગઢવીએ જણાવ્યું હતું કે, બુધા અને મિલનને ખંભાળીયાથી જ્યારે દેવકરણ ગઢવીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના સિહાન ગામથી ધરપકડ કરવામાં આવી હતી. આજે ચોથા આરોપીને જામખંભાળિયાના ખજૂરિયા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જામનગર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આરબી ગઢવીએ જણાવ્યું કે, પીડિતા અને આરોપી બુધા રિલેશનશીપમાં હતા. પીડિતા નોંધાવેલી ફરિયાદ મુજબ બુધાએ તેને ૨૮ સપ્ટેમ્બરના રોજ મોહિત આંબલીયાના ઘરે બોલાવી હતી જ્યાં તેમના બે અન્ય મિત્રો પણ હાજર હતા.
બાદમાં બુધાએ સગીરાને સોફ્ટ ડ્રિંક ઓફર કરી હતી જેના પીધા પછી તે બેભાન થઈ ગઈ હતી. બાદમાં ચારેય જણાએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ જામનગર સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કેસને મહિલા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ફરાર આરોપી મોહિત આંબલિયાને પકડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસ સ્ટેશનની ટીમોની રચના કરવામાં આવી હતી. દુષ્કર્મ બાદ પીડિતા જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.