ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયોએ મચાવ્યો હંગામો
પ્રશાસનનું કહેવું છે કે વીડિયો જેલનો નથી
લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS દ્વારા રૂપિયા ૨૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો
નવી દિલ્હી,ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે તેના એક મિત્રને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો હતો. વીડિયો અંગે પોલીસે જણાવ્યું કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. જે રીતે આ વીડિયો વાયરલ થયો છે તેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં બંધ છે અને તેને ખાસ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યો છે, ત્યાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યો?શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરીને સવાલો ઉઠાવ્યા હતા.
તેણે લખ્યું હતું કે લોરેન્સે પહેલા પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરી હતી અને હવે બિશ્નોઈએ પાકિસ્તાની ગેંગસ્ટર શહજાદ ભટ્ટીને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી છે અને તે પણ ગુજરાતની જેલમાંથી. આ દર્શાવે છે કે જેલમાં હોવા છતાં તે કેટલો આઝાદ છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાબરમતી જેલ અને ગુજરાત પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે.
આ અંગે ગુજરાત પોલીસ દ્વારા શરૂઆતમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. બપોરે સાબરમતી જેલના ડીએસપીએ જણાવ્યું કે આ વીડિયો સાબરમતી જેલનો નથી. આ વીડિયો AI જનરેટ પણ થઈ શકે છે, વર્ષમાં ત્રણ ઈદ હોય છે, આ કઈ ઈદનો વીડિયો છે તે કહેવું મુશ્કેલ છે.હાલમાં લોરેન્સ સાબરમતી જેલમાં બંધ છે અને વિવિધ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS દ્વારા રૂપિયા ૨૦૦ કરોડના ડ્રગ્સ કેસમાં રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને ત્યારથી તેને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. લોરેન્સને આ જેલમાં પૂરી સુરક્ષા સાથે રાખવામાં આવ્યો છે અને હાલમાં તે NIAની કસ્ટડીમાં છે. NIA સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.ss1