ગેમ રમતા ધાબા પરથી નીચે પટકાતા કિશોરનું મોત
સુરત: ૧૮ વર્ષના એક છોકરાના મોબાઈલ ફોન પર કલાકો સુધી ગેમ રમવાની આદત, જેના કારણે તેને સમય અને સ્થળનું પણ ભાન નહોતું રહેતું તે જીવલેણ સાબિત થઈ છે. સોમવારે પીપળોદમાં આવેલા બે માળના બંગ્લોના ધાબા પરથી પટકાતા અમિત ગોસ્વામી નામના ૧૮ વર્ષના છોકરાનું મોત થયું હતું. અમિત ગોસ્વામી, જે રાહુલ રાજ મોલ પાછળ આવેલી મિલન સોસાયટીમાં રહેતો હતો તે ધાબાની પાળી પર ઊંઘીને મોબાઈલમાં ગેમ રમતો હતો તે સમયે નીચે પટકાયો હતો,
તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસને આશંકા છે કે, જ્યારે અમિત ગેમ રમી રહ્યો હશે ત્યારે તેને ઊંઘ આવી ગઈ હશે અને આકસ્મિક રીતે નીચે પડ્યો હશે. અમિતના પિતા સંતોષ ગોસ્વામી ડ્રાઈવર તરીકે કામ કરે છે અને તેઓ ધાબા પર આવેલા એક રૂમમાં ભાડાથી રહે છે, તેમ પોલીસે કહ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, સવારે ૪.૩૦ કલાકે જ્યારે સંતોષ ગોસ્વામી પાણી પીવા ઉઠ્યા
ત્યારે અમિત રૂમમાં દેખાયો નહોતો. જેથી, તેઓ ધાબા પર ગયા હતા, જ્યાં અમિત અવારનવાર જતો હતો અને કલાકો સુધી ગેમ રમતો હતો. સંતોષને જાે કે ધાબાની પાળી પાસે અમિતનો ફોન મળ્યો હતો પરંતુ તે દેખાયો નહોતો. જ્યારે તેમણે તપાસ કરી તો, અમિત ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો અને બેભાન અવસ્થામાં હતો. છોકરાનું હોસ્પિટલ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. માતા-પિતાએ અમને જણાવ્યું હતું કે,
છોકરો ઘણીવાર મોબાઈલ ફોન વાપરવા માટે ધાબા પર જતો હતો. મોબાઈલમાં ફોનમાં ગેમ રમવાની આદતના કારણે માતાએ ઘણીવાર છોકરાને ટોક્યો પણ હતો’, તેમ એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં પણ ફોનમાં ગેમ રમતી વખતે અમિત ધાબા પર ઊંઘી ગયો હતો. ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં નપાસ થતાં અમિતે ભણવાનું છોડી દીધું હતું.