ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ: સરકારને કરોડોનો ચૂનો ચોપડતી માયાજાળ
વિદેશી કોલ લોકલમાં ફેરવાઈ જાય: દુબઈ, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહીતના દેશોમાં ફેલાયેલું નેટવર્કઃ આતંકવાદ સહીતની ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ થયાંની સંભાવના: રૂપિયાની લાલચે એસઆઈપી લાઈનનો દુરૂપયોગ
(સારથી એમ.સાગર) રાજયમાં થતાં મોટા ગુનાઓને નાથવામાં હંમેશા અગ્રેસર રહેતી અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચની ટીમે ડિસેમ્બર મહીનામાં ગુપ્ત માહીતીને આધારે પોશ વિસ્તાર સી.જી રોડ પર આવેલા સમુદ્ર કોમ્પલેક્ષમાં દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતું આખું ટેલીફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું હતું આ સાથે જ તેનું સંચાલન કરતાં મુળ ગીર સોમનાથના કોડીનારનો અને સરખેજ ખાતે રહેતો તબરેજ પકડાયો હતો.
બાદમાં તપાસના તાર મહારાષ્ટ્રના પૂણે સુધી પહોંચ્યા હતા તપાસના અંતે આ સમગ્ર ષડયંત્ર ગીરસોમનાથના ફરજાન કાદરીએ રચ્યું હોવાનું બહાર આવ્યું છે જાેકે ફરજાન કાદરી હાલમાં ક્રાઈમબ્રાંચની પકડ બહાર છે પરંતુ મહારાષ્ટ્રના પૂણેથી કેટલાંક શખ્શોને ઝડપી લેવાયા છે.
કોણ છે ફરજાન કાદરી ?
ફરજાન કાદરી મુળ ગીરસોમનાથનો રહેવાસી છે. સુત્રો અનુસાર ગેરકાયદેસર ટેલિફોન એેક્સચેન્જનાં ધંધામાં ઘણાં રૂપિયા મળતાં હોવાનું જાણતાં જ તે આ અંગે વધુ જાણવા દુબઈ ગયો હતો. દુબઈમાં તેણે કોન્ટેક્ટસ બનાવી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જની માહીતી મેળવી હતી, ભારત પરત ફરીને તેણે આવા એક્સચેન્જ ચલાવતા શખ્શોની શોધ આદરી પુનાનાં શખ્શો સાથે મળીને અમદાવાદમાં આખું સેટઅપ ઉભું કર્યું હતું.
ક્રાઈમબ્રાંચની કાર્યવાહીની જાણ થતાં જ ફરજાન ફરાર થઈ ગયો હતો જે હજુ સુધી મળ્યો નથી. બીજી તરફ શહેર ક્રાઈમબ્રાંચે બીજી તરફ શહેર ક્રાઈમબ્રાંચે દરોડો પાડીને એવી સઘન કાર્યવાહી કરી હતી કે અહીંયાના શખ્સો ઉપરાંત દુબઈમાં જે શખ્શો ઈન્ટરનેશનલ કોલ ટ્રાફીક આપતા હતા તે પણ ત્યાંથી ફરાર થઈ ગયા છે.
શું છે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ?
વિદેશમાં વસતાં નાગરીકો આપણા દેશમાં ફોન કરે છે જે તેમને મોંઘુ પડતું હોય છે. કેટલીક વખત ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે પણ અલગ અલગ નંબરો વાપરવામાં આવે છે. જેથી વિદેશમાં કોલીંગ કાર્ડ વેચતા અને ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલા શખ્શો ડાયલર એટલે કે મોબાઈલ એપ બનાવે છે. જેમાં કોલીંગ કાર્ડનો કોડ નાખ્યા બાદ ફોન નંબર નાખવામાં આવે છે. આ કોલ ILD (ઈન્ટરનેટ લોંગ ડિસ્ટન્સ કોલ) ના ઓપરેટર પાસે જાય છે જે ભારતમાં આવેલા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જને આ કોલ આપે છે. જયાં આવતા તે ઈન્ટરનેશનલ કોલ લોકલ લાઈનમાં ટ્રાન્સફીટ થાય છે અને ફોન ઉપાડનારને લોકલ નંબર દેખાય છે. ક્યારેક ૪ આંકડાના નંબર દેખાય છે તો ક્યારેક નંબર જ નથી દેખાતાં હોતાં.
શું છે SIP લાઈન ?
SIP લાઈન (સેશન ઈમીશીએશન પ્રોટોકોલ) એ મુળ કોલ સેન્ટરોને ટેલિકોમ કંપનીઓ તરફથી આપવામાં આવતી સગવડ છે. ટેલિકોમ કંપની પાસેથી કોલ સેન્ટરો ફોન કરવા માટે અમુક નંબરની લાઈન લે છે પરંતુ તેમાં નંબર ત્રણ ગણા મળે છે એટલે કે કોઈ કંપની ૧૦ કોલની લાઈન લે તો તેની સામે ૩૦ ફોન નંબર મળે છે. (ફરજાને ૧૦૦૦ લાઈન લીધી હતી.)
કોલ સેન્ટરમાંથી ગ્રાહકોને અલગ અલગ નંબર પરથી ફોન કરી શકાય એ માટે ટેલિકોમ કંપની આવી સગવડ આપે છે. ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જમાં કોઈ ફોન કરવાની જરૂર રહેતી નથી, તેમાં ભારત બહારથી આવતાં કોલ સીધા લોકલ કોલમાં ડાઈવર્ટ થઈ જતાં હોય છે. માટે એક વખત આ ટેલિફોન એક્સચેન્જનું સેટઅપ કર્યા બાદ તેમાં બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી અને વધુ વ્યક્તિઓની પણ જરૂરીયાત હોતી નથી.
કેવી રીતે ઓળખવો ગેરકાયદેસર કોલ ?
ભારતમાં વિદેશથી આવતા ઈનકમીંગ કોલમાંથી ૬૦ થી ૭૦ ટકા CLI એટલે કે કોલર ID (નંબરવાળા) હોય છે. જયારે બાકીના નોન CLI એટલે કે કોલર ID વગરના હોય છે. જે નંબર વગરના હોય છે અથવા લોકલ નંબરના કે ૩-૪ ચાર આંકડાનાં હોય છે. ઉદાહરણ તરીકે દુબઈ રહેતો વ્યક્તિ ભારતીયને ફોન કરે તો દુબઈનો નંબર દેખાય તો કાયદેસર કોલ કર્યો ગણાય. પરંતુ દુબઈથી ભારતમાં ફોન કરતાં લોકલ નંબર અથવા ૩ થી ૪ આંકડાનો નંબર દેખાય તો એ નોન CLI એટલે ગેરકાયદેસર નંબર હોય છે. આવા કોલ મોટાભાગના ભારતીયોએ રીસીવ કર્યા જ હોય છે.
ફરજાને રપ હજાર લાઈનનું સેટઅપ ગોઠવ્યું હતું
અમદાવાદના સીજી રોડ પરથી પકડાયેલાં ટેલિફોન એક્સચેન્જમાં ફરજાન કાદરીએ ૧૦૦૦ લાઈનો લીધેલી હતી. અને થોડાં સમયમાં જ તે પ હજાર લાઈનો લેવાનો હતો બહુ જ મોટું આયોજન કરીને બેઠેલાં ફરજાન કાદરીએ ઓફીસમાં રપ હજાર લાઈનોનું સેટઅપ ગોઠવી રાખ્યું હતું. સામાન્ય કોલ સેન્ટરોમાં ૧૦૦થી ર૦૦ SIP લાઈન આપવામાં આવતી હોય છે.
નડીયાદ, બરોડા, આણંદ, અમદાવાદમાંથી પકડાયા, ભારતમાં કેટલાં ?
ATS (એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ) એ નડીયાદ, બરોડા, આણંદ તથા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી આવા ગેરકાયદેસર એક્સચેન્જ પકડી પાડ્યા હતા, જયારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે પણ નવરંગપુરામાં દરોડો પાડ્યા બાદ તેના તાર દુબઈ, પાકિસ્તાન અને છેલ્લે બાંગ્લાદેશ સુધી જાેડાયેલાનું બહાર આવ્યું છે.
બીજી તરફ ગુજરાતમાંથી આટલાં ટેલિફોન એક્સચેન્જ પકડાયા છે જેમને શોધવા અઘરાં હતા તો સમગ્ર ભારતમાં કેટલા ચાલતા હશે એ સવાલ થાય છે. ઉપરાંત થોડાં જ સમયમાં સીજી રોડનાં એક્સચેન્જ દ્વારા સાડા ત્રણ કરોડ રૂપિયાનું સરકારી નુકસાન થયાનો સરકારી આંકડો બહાર આવ્યો છે તો આખા ભારતમાં વર્ષે દહાડે કેટલું નુકસાન થતું હશે એ વધુ એક સવાલ છે.
સુત્રો અનુસાર સૌથી વધુ ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ દક્ષિણ ભારતમાં કેરાલામાં આવેલાં છે જેમાં એર્નાકુલમ શહેર આવા એક્સચેન્જાેનું હબ કહી શકાય. જાેકે આ તપાસનો વિષય છે.
અગાઉ જણાવ્યું તેમ ભારતમાં મોટાભાગના નાગરીકોએ જાણ્યે-અજાણ્યે આવા કોલ રીસીવ કર્યા હશે, પરંતુ ૪ આંકડા, નંબર વગરના કે વિદેશથી આવ્યા હોવા છતાં લોકલ નંબર બતાવતા હોય એવા કોલ મળે કે તરત જ પોલીસને જાણ કરવી જેથી આવી પ્રવૃતિઓને રોકી શકાય. જેમ કે, ATSએ આણંદમાં કાર્યવાહી કરી ત્યારે કોઈ શખ્શે આણંદના વેપારી પાસે ખંડણી માંગી હતી વેપારીએ ફરીયાદ કરતાં ATSએ ફોન નંબરની તપાસ શરૂ કરી હતી જેને પરીણામે ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ પકડાયું હતું જયારે નવરંગપુરામાં ક્રાઈમબ્રાંચે કાર્યવાહી કરી હતી જેમાં ૈંમ્નું ઈનપુટ હતું.