ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયોની હવે ખેર નથી : વિજય રુપાણી
લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય
ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે રજૂ કરશે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ
રાજ્યમાં સરકારી-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની-સખાવતી સંસ્થા-જાહેર ટ્રસ્ટ-ધર્મ સ્થાનકો-ખાનગી માલિકીની-ખેડૂતોની જમીન હડપ કરનારા ભૂમાફિયા-અસામાજીક તત્વો પર સકંજો કસવા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ લાવશે-ગુજરાત સરકાર બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ-લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બનેલા ગુજરાતમાં હવે ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વોની મૂરાદ બર નહિં આવે આવી જમીન ખરીદ-વેચાણની ગેરરીતિ આચરનારી કંપની-પેઢીના જવાબદારો પણ સજાને પાત્ર થશે
સર્વગ્રાહી વિકાસ-ઉત્તમથી સર્વોત્તમની વિકાસ યાત્રામાં નવું બળ પૂરશે-ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ
રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ-વટહુકમ જારી કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી આવતીકાલ, બુધવારે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરવાના છે.
વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે.
છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથો સાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે.
જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલીકીની કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.
રાજ્ય સરકારને પણ ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળેલ છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે કેટલીકવાર રાજ્ય સરકાર માટે કાયદો અને વ્યવસ્થા સંબંધી પ્રશ્નો પણ ઉભા થતા હોય છે. તે સંજોગોમાં કોઇપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવા પર આ કાયદાથી પ્રતિબંધ મુકાયેલ છે. અને આવી પ્રવૃત્તિને ગેરકાયદેસર જાહેર કરેલ છે.
આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે અને દોષીત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે.
આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.
રાજ્યમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે.
આમ, વટહુકમની જોગવાઇ અમલમાં આવતા જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલીકીના હકો ચિંતામુક્ત થઇ ભોગવી શકશે. વધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મહેસૂલી સેવાઓના સરળીકરણ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને ફેઇસ લેશ વ્યવસ્થાઓ વિકસાવેલી છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી સુધારા કરીને કૃષિ, પશુપાલન, આરોગ્ય અને ઇજનેરી શિક્ષણ તેમજ બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જમીનોના ખરીદ-વેચાણની સુગમતા કરી આપી પારદર્શીતા અને નિર્ણાયકતાની જન અનુભૂતિ કરાવી છે.
આના પરિણામે, હવે જમીન ધારકને પોતાની ખેતી, બિનખેતી જમીનની સમયાનુકુલ યોગ્ય કિંમત મળતી થવાની છે ત્યારે જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા તત્વોને નાથી સાચા હક્કદાર જમીન માલિકોને યોગ્ય કિંમત અપાવી આર્થિક આધારનો નવતર અભિગમ મુખ્યમંત્રીશ્રીએ અપનાવવા પહેલ રૂપ નિર્ણય કર્યો છે.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક
રાજ્ય સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે તેથી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ કરી તાત્કાલિક પગલાં લઇ વિધાનસભાનું સત્ર હાલ ચાલુ ન હોય તે સ્થિતીમાં વટહુકમ જારી કરવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.
આ વટહુકમની જોગવાઇઓ તાત્કાલીક ધોરણથી અમલમાં આવશે. જેના અસરકારક અમલીકરણથી જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે.
ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ-વટહુકમની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ આ મુજબ છેઃ-
આ એકટમાં એવી કડક જોગવાઇઓ કરવામાં આવી છે કે, રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી-પારદર્શી તપાસ-સૂનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે. આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે.આવી વિશેષ અદાલત સુઓ મોટો (ર્જે ર્દ્ર્બં) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે. ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ ૨૦૨૦ની જોગવાઇ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ ૧૦ થી ૧૪ વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.
આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક
લેનારાની પણ એટલી જ સજા થશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે. આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ નવું સિમાચિન્હ બનશે.