ગેરકાયદેસર હથિયાર સાથે પોલીસ કર્મીનો પુત્ર ઝડપાયો
રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ પુત્ર સહિત ત્રણ શખ્સોને દેશી બનાવટની પિસ્તોલ તેમજ ચાર કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવા પામી છે.
ત્યારે ચૂંટણી સંદર્ભે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાં દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ થાણા અમલદારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તો સાથેસાથ વાહન ચેકિંગ સહિતની ગતિવિધિ તેજ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.
ત્યારે વિંછીયા પોલીસના પીએસઆઇ ટીએસ રીઝવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રિપલ સવારીમાં બાઇક દ્વારા મોઢુકાથી વિંછીયા તરફ ત્રણ જેટલા શખ્સો આવી રહ્યા છે. જેમની પાસે ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ રહેલા છે.
ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ રીઝવીએ વિછીયા મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ત્રિપલ સવારીમાં બાઇક પર નીકળેલા યુવાનોને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની અંગજડતી કરવામાં આવતા ભાવેશ વિનુભાઈ રાજપરા નામના સખ્સના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેમજ હથિયાર ચેક કરતાં તેમાંથી ચાર જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય શખ્સોને લઇ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.