Western Times News

Gujarati News

ગેરકાયદે ખાતર વેચનાર ઉપર સરકારની તવાઇ

ગાંધીનગર, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત ઔદ્યોગિક વપરાશ અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત રીતે ઔદ્યોગિક વપરાશ અટકાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સહાય આપવામાં આવે છે. રાજ્યમાં વાર્ષિક અંદાજિત ૨૨ લાખ મે.ટન યુરિયાનો વપરાશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા ખાતરનો છેલ્લા એક દાયકાથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. કેટલાક તત્વો દ્વારા ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત રીતે ઔદ્યોગિક વપરાશ કરવામાં આવતો હોય છે.

તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલ સંસ્થાઓ અને વ્યક્તિને પકડવા માટે કાર્ય કરી રહી છે. આ માટે તાજેતરમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ટીમો બનાવી ઔદ્યોગિક યુનિટોની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કુલ ૮,૧૮૪ બેગોના જથ્થાના વપરાશને અટકાવવામાં આવ્યો હતો અને કુલ ૩૦ જેટલા શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા તરીકે નમુનાઓ લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

જેના પરિણામો આવેથી જવાબદારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તાજેતરમાં હારીજ ખાતે પકડાયેલ યુરિયા ખાતરમાં ડીસાના વિક્રેતા સંકળાયેલા હોવાનું જણાતા તેનું ખાતર વિતરણનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

રાજ્યમાં ખાતર કંપનીઓ દ્વારા પોતાની રીતે જે સ્થળોએ યુરિયા ખાતર સંગ્રહ કરેલ છે તે અંગે સ્થળોની ચકાસણી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે.જેમાં છેલ્લા બે દિવસમાં ગુણવતા નિયંત્રણ તંત્રના અધિકારીઓ દ્વારા ૮૨૩ ખાતર વિક્રેતાઓની મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં બાવન જેટલા ખાતર વિક્રેતાઓને ત્યાં પી.ઓ.એસ. મશીનનો સ્ટોક અને ખરેખર ઉપલબ્ધ યુરિયા ખાતરના જથ્થામાં વિસંગતતા જણાતા કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી ૬ જગ્યાએ યુરિયા ખાતરનો જથ્થો અટકાવવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.