ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનઃ હાઈકોર્ટની લાલ આંખ થતાં એએમસી હરકતમાં આવ્યું
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનનો મામલો ફરી ચર્ચાસ્પદ બન્યો છે. કેટલાક લેભાગુ ઈજનેરો સાથેની મિલીભગતથી તંત્રની ડ્રેનેજ લાઈનમાં બારોબાર કનેક્શન લેવાની પ્રવૃત્તિ વધી છે. આમાં ખાસ કરીને ઉદ્યોગોની મોટાપાયે સંડોવણી બહાર આવી છે.
ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મામલે થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ઉદ્યોગોને ચેતવણી પણ આપી હતી. દરમિયાન, મ્યુનિ તંત્ર પણ હાઈકોર્ટની લાલ આંખના કારણે હરકતમાં આવ્યું છે.
ઉદ્યોગો ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનથી સાબરમતી નદીમાં તેમનાં કેમિકલયુક્ત પાણી છોડી નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. આના કારણે અડધી સાબરમતી નદી મૃતપાય થઈ ગઈ છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ઉદ્યોગોને તેમનો ક્ચરો નદીમાં ઠાલવવા સામે ગંભીર ચેતવણી આપી હતી. ઉદ્યોગોએ માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે નદીને મૃતપ્રાય બનાવી છે તેમ પણ હાઈકોર્ટે સોય ઝાટકીને કહ્યું હતું.
જીપીસીબી સાથે સંકલનમાં રહીને મ્યુનિ.ઈજનેર વિભાગ કામગીરી કરે તે માટેનો આદેશ અપાઈ ગયો છે. તમામ ઉદ્યોગોનાં તંત્રની ડ્રેનેજ લાઈનમાં થયેલાં કનેક્શન કાપી તેનો એક્શન ટેકન રિપોર્ટ તૈયાર કરવાની સંબંધિત ઝોનના ઈજનેર વિભાગને તાકીદ કરાઈ છે.
આવા ઉદ્યોગોનાં કનેક્શનનો સર્વે પણ હાથ ધરાયો છે. તંત્ર સર્વેના આધારે જે તે ઉદ્યોગના કનેક્શન કાપી રહ્યું હોઈ તેમાં જીપીસીબીની ટીમ આવે ત્યારે જે તે ઝોન-વોર્ડમાં આસિ.સિટી ઈજનેર અને આસિ.ઈજનેરે હાજર રહીને કામગીરી કરવાનો આદેશ અપાયો છે.
આ આદેશ મુજબ પૂર્વ ઝોનમાં નવ આસિ.સિટી ઈજનેર અને નવ આસિ.ઈજનેર, મધ્ય ઝોનમાં ત્રણ આસિ.સિટી ઈજનેર અને છ સિટી ઈજનેર, ઉત્તર ઝોનમાં આઠ આસિ.સિટી ઈજનેર અને ૧૯ આસિ.ઈજનેર અને દક્ષિણ ઝોનમાં આઠ આસિ.સિટી ઈજનેર અને ૧૧ આસિ.ઈજનેરને જીપસીબીની ટીમ સાથે રહીને કામગીરી કરવાની રહેશે.
મ્યુનિ.સત્તાવાળાઓએ કુલ ૨૮ આસિ.સિટી ઈજનેર અને ૪૫ આસિ.ઈજનેરને કામગીરી સોંપતા આગામી દિવસોમાં ઉદ્યોગોનાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપવાની ઝુંબેશ વધુ તીવ્ર બનશે.